નવી દિલ્હી: સંસદમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરુવારે મોદી સરકારના આગામી પાંચ વર્ષનો પ્લાન રજૂ કર્યો હતો. સંસદના બંને ગૃહોના સાંસદોને સંબોધિત કરતા રાષ્ટ્રપતિએ સરકારના વિઝનને રજૂ કર્યું હતું.
ત્યારે કોંગ્રેસ અધ્યક્ષનો સંસદના સેન્ટ્રલ હોલનો એક વીડિયો સામે આવ્યો છે. તેમા અભિભાષણ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મોબાઈલ જોતા દેખાઈ રહ્યા છે. જો કે અભિભાષણ દરમિયાન મોબાઈલ જોવા પર કોઈ રોક નથી. પરંતુ સોશયલ મીડિયા પર વીડિયો વાઈલ થયા બાદ લોકો રાહુલ ગાંધીની એક વરિષ્ઠ રાજનેતા તરીકેની ગંભીરતા પર સવાલ ઉઠાવી રહ્યા છે.
કોંગ્રેસ અધ્યક્ષ પદ છોડવાની વાત કરી રહેલા રાહુલ ગાંધી આ પહેલા પણ પુલવામા એટેક વખતે શહીદોને શ્રદ્ધાંજલિ વખતે મોબાઈલ જોવાના આરોપસર વિવાદોમાં ઘેરાયા હતા.
તાજેતરના મામલામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જેવું પોતાનું અભિભાષણ શરૂ કર્યું કે તેના થોડાક સમયગાળામાં પોતાના માતા અને યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે બેઠેલા રાહુલ ગાંધીએ મોબાઈલમાં કંઈક જોવાનું શરૂ કર્યું હોય તેવો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોને લઈને સોશયલ મીડિયા પર રાહુલ ગાંધીની રાજનેતા તરીકેની ગંભીરતા સામે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે.