આજે દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જન્મજયંતિ: રાહુલ ગાંધીએ શક્તિ સ્થળ પર શ્રધ્ધાંજલિ અર્પી
- દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જન્મજયંતિ
- રાહુલ ગાંધીએ શક્તિ સ્થળ પર અર્પી શ્રધ્ધાંજલિ
- દાદીમા શક્તિનું સ્વરૂપ – રાહુલ ગાંધી
- 1959 માં કોંગ્રેસ અધ્યક્ષ બન્યા હતા
દિલ્લી: આજે દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જન્મજયંતિ છે. આ પ્રસંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શક્તિસ્થળની મુલાકાત લઈને તેમની દાદીને શ્રધ્ધાંજલિ આપી હતી. દેશના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની પુત્રી ઇન્દિરાનો જન્મ 19 નવેમ્બર 1917માં અલ્હાબાદમાં થયો હતો. તેમણે સ્વતંત્રતા આંદોલન દરમિયાન પોતાની સેના બનાવી અને લડવૈયાઓ સાથે કામ કર્યું હતું.
તેમની દાદી ઈન્દિરાને યાદ કરતાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ તેમને શક્તિનું સ્વરૂપ ગણાવ્યું છે. તેમણે ટ્વિટ કર્યું કે, ‘એક કુશળ વડાપ્રધાન અને શક્તિ સ્વરૂપા શ્રીમતી ઇન્દિરા ગાંધીની જન્મજયંતિ પર શ્રધ્ધાંજલિ. સમગ્ર દેશ હજી પણ તેમના પ્રભાવશાળી નેતૃત્વનું ઉદાહરણ આપે છે પરંતુ હું હંમેશા તેને મારા પ્રિય દાદી તરીકે યાદ કરું છું. તેમની શિખવાડેલી વાતો મને સતત પ્રેરિત કરે છે.
ઇન્દિરા ગાંધી 1959માં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. જ્યારે પંડિત જવાહરલાલ નહેરુના નિધન બાદ લાલ બહાદુર શાસ્ત્રી વડાપ્રધાન બન્યા હતા, ત્યારે ઇન્દિરાએ તેમના અનુરોધ પર ચૂંટણી લડ્યા અને માહિતી અને પ્રસારણ મંત્રી બન્યા. 1966થી 1977 અને 1980થી 1984ની વચ્ચે તેમણે ભારતના વડાપ્રધાન પદ સંભાળ્યું. ઓપરેશન બ્લુ સ્ટાર પછી તે અલગાવવાદીઓના નિશાના પર આવી ગયા હતા. 31 ઓક્ટોબર 1984 ના રોજ તેમના બે બોડીગાર્ડ્સે તેમની હત્યા કરી દીધી હતી.
_Devanshi