નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશની અમેઠી લોકસભા બેઠક પરથી રાહુલ ગાંધીની હારે કોંગ્રેસને હચમચાવી નાખી છે. ભાજપની પરંપરાગત બેઠક ગણાતી અમેઠી બેઠક પરથી ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને 55 હજાર મતોથી મ્હાત આપી છે.
અમેઠીમાં રાહુલ ગાંધીની હારના કારણોની શોધ કરી રહેલી કોંગ્રેસની બે સદસ્યોની સમિતિએ બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટીના અસહયોગને આના માટે જવાબદાર ગણાવ્યો છે. સમિતિએ કહ્યું છે કે બંને પાર્ટીઓના સ્થાનિક એકમોએ કોંગ્રેસને પુરતો સાથ આપ્યો ન હતો અને તેમના વોટ ભાજપના ખાતામાં ચાલ્યા ગયા હતા.
સમિતિના સદસ્ય કોંગ્રેસ સચિવ જુબૈરખાન અને કે. એલ. શર્માએ શનિવારે સ્પષ્ટપણે કહ્યુ હતુ કે અમેઠીમાં એસપી અને બીએસપીના સ્થાનિક એકમોએ કોંગ્રેસને સહયોગ કર્યો નહીં અને આ કારણથી આ પાર્ટીઓના મોટાભાગના વોટ ભાજપના ખાતામાં ચાલ્યા ગયા હતા. આ વાતને થોડીક વધુ યોગ્ય રીતે સમજીએ, અમેઠીના એક સ્થાનિક કોંગ્રેસીએ કહ્યુ છે કે રાહુલ ગાંધીને વર્ષ 2014ની સરખામણીએ આ વખતે વધારે વોટ મળ્યા હતા. ગત લોકસભા ચૂંટણીમાં જ્યાં તેને 4.08 લાખ વોટ મળ્યા હતા, તો આ વખતે તેને 4.13 લાખ લોકોના વોટ મળ્યા હતા.
કોંગ્રેસના નેતાએ કહ્યુ કે ગત ચૂંટણીમાં અહીં બીએસપી કેન્ડિડેટના 57 હજાર વોટ મળ્યા હતા અને 2019ની ચૂંટણીમાં રાહુલ ગાંધીની હાર 55 હજાર વોટથી થઈ છે. જો બીએસપીના વોટ કોંગ્રેસના ખાતામાં આવી જાત, તો રાહુલ ગાંધીની હાર થાત નહીં. અમેઠીના કોંગ્રેસ પ્રમુખ યોગેન્દ્ર મિશ્રાએ પણ આ વાતનું સમર્થન કર્યું છે. તેમણે ક્હ્યુ છે કે એસપી-બીએસપીનો અસહોયગ રાહુલ ગાંધીની હારનું મુખ્ય કારણ છે. તેમણે જણાવ્યુ છે કે બંને પાર્ટીઓના નેતાઓએ અમેઠીમાં કોંગ્રેસના સમર્થનનું એલાન કર્યું હતું. પરંતુ તેમ છતાં પણ કોંગ્રેસને તેમનો સાથ મળ્યો નહીં.
મિશ્રાએ કહ્યુ છે કે સમાજવાદી પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ પ્રધાન ગાયત્રી પ્રજાપતિના પુત્ર અનિલ પ્રજાપતિએ ખુલ્લેઆમ સ્મૃતિ ઈરાની માટે પ્રચાર કર્યો હતો. આ સિવાય ગૌરીગંજથી એસપીના ધારાસભ્ય રાકેશ સિંહે પોતાના બ્લોકના પ્રમુખો અને જિલ્લા પંચાયતના સદસ્યોને બચાવવા માટે ભાજપને સાથ આપ્યો હતો. જો કે રાકેશ સિંહે આવા આરોપોને રદિયો આપ્યો છે. મહત્વપૂર્ણ છે કે ગૌરીગંજ વિધાનસભામાં રાહુલ ગાંધી 18 હજાર વોટથી સ્મૃતિ ઈરાનીથી પાછળ રહ્યા હતા. તેઓ માત્ર અમેઠી વિધાનસભામાંથી સરસાઈમાં હતા. જ્યારે જગદીશપુર, તિલોઈ અને સલોન વિધાનસભામાં પણ તેમને ભાજપથી ઓછા વોટ મળ્યા હતા.
રાહુલ ગાંધીની હારના કારણોની તલાશ કરી રહેલી બે સદસ્યોની સમિતિએ ગૌરીગંજ અને તિલોઈ વિધાનસભાના કાર્યકર્તાઓનો ફીડબેક લીધો છે. તેના સિવાય તેઓ આગામી બે દિવસમાં જગદીશપુર, સલોન અને અમેઠીના કાર્યકર્તાઓની સાથે બેઠક કરશે. સમિતિ પોતાનો ફાઈનલ રિપોર્ટ કોંગ્રેસ હાઈકમાનને આગામી સપ્તાહ સુધીમાં મોકલે તેવી શક્યતા છે.