2014થી 2019 દરમિયાન ડેમોક્રસી ઈન્ડેક્સમાં ભારતનું રેન્કિંગ ઘટયું, રેન્કિંગમાં ઘટાડા સામે કેટલાક સવાલ
- 2018માં ભારત ડેમોક્રસી ઈન્ડેક્સમાં 41મા ક્રમાંકે
- 2017ની સરખામણીએ 2018માં એક સ્થાનનો સુધારો
- 2016માં ભારત ડેમોક્રસી ઈન્ડેક્સમાં હતું 32મા ક્રમાંકે
- ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ તૈયાર કરે છે ડેમોક્રસી ઈન્ડેક્સ
- બ્રિટિશ કંપની છે ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ
ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. ભારતની લોકશાહીમાં ડગલેને પગલે જનમતની દરકાર કરવામાં આવે છે. ગ્રામ પંચાયતથી લઈને વિધાનસભા અને લોકસભા-રાજ્યસભા સુધીના જનપ્રતિનિધિઓને ચૂંટવાની પ્રક્રિયા છે. ભારતમાં 2014થી 2019 વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી પહેલી સરકારના કાર્યકાળમાં ભારતની લોકશાહીના રેન્કિંગમાં ઘટાડો થયો છે. 2018માં ભારતનો ડેમોક્રસી ઈન્ડેક્સ એટલે કે લોકશાહી સૂચકાંકમાં ભારતને 41મું સ્થાન આપવામાં આવ્યું છે.
ડેમોક્રસી ઈન્ડેક્સને બ્રિટિશ કંપની ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યૂનિટ તૈયાર કરે છે. આમા નિષ્પક્ષ ચૂંટણી, રાજકીય ભાગીદારી અને બહુલતાવાદ તથા નાગરીક સ્વતંત્રતા જેવા માપદંડોના આધારે દેશોને રેન્કિંગ આપવાનો દાવો કરવામાં આવે છે. 2017ની સરખામણીમાં 2018માં ડેમોક્રસી ઈન્ડેક્સમાં ભારતના રેન્કિંગમાં એક સ્થાનનો સુધારો થયો છે. પરંતુ 2014થી 2019 વચ્ચે મોદીના પાંચ વર્ષ પહેલાના કાર્યકાળમાં ભારતના ડેમોક્રસી ઈન્ડેક્સમાં 10 સ્થાનનો ઘટાડો થયો છે. 2016માં ભારતને ઈન્ડેક્સમાં 32મું સ્થાન મળ્યું અને 2017માં તેને 42મો ક્રમાંક આપવામાં આવ્યો હતો.
ભારતમાં નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણીઓ થાય છે, નાગરિકોના મૂળભૂત અધિકારોનું સમ્માન પણ થાય છે. પરંતુ મીડિયાની કથિત આઝાદી પર અંકુશ લગાવવા જેવી સમસ્યાઓ બનેલી હોવાના દાવા થઈ રહ્યા છે. જો કે મીડિયાના જૂથો અને મીડિયાના કથિત દિગ્ગજોના ક્રિયાકલાપો પણ આવી આઝાદી પર અંકુશ લાગવા માટે કારણભૂત હોવાનું જાણકારો માની રહ્યા છે. મીડિયાની આઝાદીના નામે ભારતના રાષ્ટ્રીય હિતોને નુકસાન પહોંચાડવાની કોઈને સ્વતંત્રતા મળી શકે નહીં. દુનિયાના કોઈપણ દેશમાં આવી મીડિયાની આઝાદી અસ્તિત્વમાં નથી. મીડિયાની આઝાદીના મુદ્દાને લઈને ઈઆઈયૂએ ભારતને કથિતપણે દોષપૂર્ણ લોકશાહી ગણાવી છે.
ડેમોક્રસી ઈન્ડેક્સ 2017માં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઈન્ટરનેટ બંધ કરવાથી અન્ય વસ્તુઓની સાથે સંઘર્ષ પ્રભાવિત વિસ્તારમાંથી પત્રકારોના રિપોર્ટિંગ પણ પ્રભાવિત થયા. આમા સરકારી મશીનરી દ્વારા વિરોધને દબાવવા ખાસ કરીને સેક્શન-124-એ હેઠળ રાષ્ટ્રદ્રોહના કાયદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેના કારણે મુખ્યપ્રવાહના મીડિયામાં સેલ્ફ-સેન્સરશિપની સંસ્કૃતિ ફાલી-ફૂલી રહી છે. ગ્લોબલ પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્સમાં 180 દેશોમાં ભારતનું રેન્કિંગ 140મું આપવામાં આવ્યું છે. 2017માં ઈઆઈયૂએ દક્ષિણપંથી ધાર્મિક વિચારધારાના વર્ચસ્વ અને ગૌરક્ષકોના લઘુમતીઓને નિશાન બનાવાથી દેશની ધર્મનિરપેક્ષ છબીને ઘેરો ધક્કો પડયો હોવાનું પણ માનવામાં આવે છે. જો કે ગાય ભારતમાં ધાર્મિક આસ્થાનો મામલો છે અને ભારતના હિંદુઓની ધાર્મિક આસ્થાનો અનાદર એક વિક્ષેપ અને વિક્ષોભ પેદા કરશે, માટે સવાલ સહઅસ્તિત્વના સિદ્ધાંતથી ભારતના બહુમતી હિંદુઓની ધાર્મિક આસ્થાનું સમ્માન કરવાનો પણ મુદ્દો છે. જો કે આના બહાને લઘુમતીઓને પ્રતાડિત કરવાની ઘટના બને, તો તેની યોગ્ય તપાસના અંતે કાયદાકીય રાહે સજા સુધીની કાર્યવાહી થવી જોઈએ. પરંતુ ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડનારને પણ કાયદાકીય રાહે સજા સુધી લઈ જવાનું કામ સરકારના તંત્રનું છે.
બહુમતીઓની ભાવનાઓની ઉપેક્ષાથી કોઈ લોકશાહી મજબૂત બની શકે નહીં. લઘુમતીઓને છાવરવું અને તેમનું તુષ્ટિકરણ લોકશાહીને મજબૂત કરી શકે નહીં. કાયદા સામે સૌ સરખા અને કાયદો સૌના માટે સરખો, તેવી બંધારણની ભાવના કમજોર વર્ગોને બંધારણ દ્વારા મળેલા વિશેષ પ્રાવધાનો હેઠળના અધિકાર સિવાય લાગુ થવા જોઈએ. ટ્રિપલ તલાક સામે બનાવવામાં આવેલો કાયદો એક આવી જ પહેલ છે. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ – 370 અને 35-એને અસરહીન કરીને ભારતના અન્ય વિસ્તારોના લોકોની જેમ જમ્મુ-કાશ્મીરના લોકોને સશક્ત કરવાની દિશામાં એક યોગ્ય પગલું લેવું ભારત સરકારનો અબાધિત અધિકાર છે. આમા પાકિસ્તાન તરફી તત્વોની નશ્યત કરવા માટે લેવાનારા કોઈપણ પગલા ડેમોક્રસી ઈન્ડેક્સને ઘટાડે તો દેશની એકતા અને અખંડિતતા સામે આની કોઈ પરવાહ અન્ય દેશોની જેમ ભારત સરકારે પણ લેશમાત્ર કરવી જોઈએ નહીં. આ મામલો સમાન નાગરીક ધારાને લાગુ કરવા સુધી આગળ વધારવો પડશે.
ધર્મ, જાતિ, વર્ગ અને લૈંગિક આધાર પર સામાજીક તણાવ કંઈ 2014થી જ શરૂ થયો છે અને તેના પહેલા અસ્તિત્વમાં જ ન હતો, તેવું માનવાને કોઈ કારણ નથી. આની પહેલાની સરકારમાં આવો તણાવ રહ્યો હતો અને કેટલાક સમયગાળામાં ખાસો વધારે રહ્યો હતો. રાષ્ટ્રદ્રોહ અને બદનક્ષી જેવા કાયદાનો પહેલા પણ દુરુપયોગ થયો છે અને આજના કરતા વધુ બેફામપણે કરવામાં આવ્યો છે. ટાડાનો કાયદો બનાવવામાં આવ્યો હતો, આતંકવાદના ખાત્મા માટે પણ ટાડાનો સૌથી વધુ રાજકીય દુરુપયોગ કરવામાં આવ્યો હતો.
મોદી સરકાર પર આરોપ લગાવવામાં આવે છે કે તે સંવાદ નથી ઈચ્છતી, ખાસ કરીને તેની નીતિ-રણનીતિના ટીકાકારો સાથે. ગત પાચં વર્ષમાં મોદી સરકારની સામે આના સંદર્ભે નિશાન સાધવામાં આવે છે. જો કે ગત પાંચ વર્ષોમાં આમા નાટકીય ઢંગથી ઘટાડો થયો છે. પરંતુ ટીકાકારોમાં લોબિસ્ટો અને પાંચમી કતારિયા તત્વો સાથે મળેલા લોકો સાથે ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી, તે પણ હકીકત છે. આશાવાદના સ્થાને નિરાશાવાદી માહોલ ઉભો કરનારા તત્વોની સાથે સંવાદથી કોઈ ફાયદો થતો નથી. કદાચ પરિણામલક્ષી નીતિ-રણનીતિના પરિણામો પર ચર્ચા-વિચારણા, કે ડાયલોગ થાય તેની સામે સરકારને વાંધો નથી.
ભારતીય રાજકારણમાં નરેન્દ્ર મોદી મીડિયા અને બૌદ્ધિકોની બદનામીની સામે ભારતના લોકપ્રિય નેતા તરીકે વડાપ્રધાનના સૌથી સર્વોચ્ચ પદ પર બેઠા છે. 2014 અને 2019માં તેઓ મોટા જનાદેશ સાથે ચૂંટાયા છે. જો મોદીનું ચૂંટાવું ડેમોક્રેટિક ઈન્ડેક્સમાં ઘટાડાનું કારણ હોય, તો આવા લોકશાહીના સૂચકાંકને ભારતના લોકો મોદીને મીડિયા અને બૌદ્ધિકોના વર્ગમાં બદનામીની પ્રખર કોશિશોની જેમ સોય ઝાટકીને નકારે છે. મોદીનું બે વખત ભારે જનાદેશથી ચૂંટાવું ભારતીય લોકશાહીની જીત છે. આ જનાદેશની સાથેની વફાદારી નરેન્દ્ર મોદીને ત્રીજી વખત પણ ચૂંટશે. તેમની સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ને અસરહીન કરીને આનું પહેલું પગથિયું પણ પાર કરી લીધું છે.
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા તે ભારતના મજબૂત લોકતંત્રનું જ કારણ છે. એમા કોઈ શંકા નથી કે ભારતના લોકતંત્રની શક્તિના વડાપ્રધાન મોદીએ દરેક વખતે વખાણ કર્યા છે. મે-2014માં સંસદમાં પહેલી વખત વડાપ્રધાન તરીકે પ્રવેશ કરતી વખતે લોકશાહીના સર્વોચ્ચ મંદિરને માથું ઝુકાવીને નમન કરવા અને મે-2019ની શાનદાર જીત બાદ ફરથી વડાપ્રધાન બનીને ભારતના બંધારણની સામે વંદન કરવા લોકશાહી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાની અભિવ્યક્તિ હતા. જો કે લોકશાહીનો અર્થ એ નથી કે નરેન્દ્ર મોદી પોતાને મળેલા જનાદેશની વફાદારી ભૂલીને કથિત ઉદારવાદી અને આધુનિકતાના નામે મુઠ્ઠીભર લોબિસ્ટો-પાંચમી કતારિયા તરીકે ભારતમાં સક્રિય તત્વોની સામે ઝુકી જાય. જ્યાં સુધી વૈશ્વિક સૂચકાંકના આવા જાહેર થતા ઈન્ડેક્સના સવાલ છે, તો તેમા આવી સંસ્થાઓના જાહેર કરવામાં આવેલા માપદંડો સિવાયના પણ ઘણાં ફેક્ટર કારણભૂત છે. લોકશાહી લોકોની, લોકોથી, લોકો માટે ચાલતી વ્યવસ્થા છે. ભારતમાં આમ થઈ રહ્યું છે. ડેમોક્રસી ઈન્ડેક્સ જાહેર કરનાર સંસ્થાના પોતાના માપદંડ છે અને ભારતના લોકોના પણ પોતાના માપદંડ છે. ભારતના લોકોની લાગણીના પડઘાને પ્રતિસાદ આપનાર શક્તિશાળી બને, તો ભારતના લોકો માટે આવી લોકશાહી વ્યવસ્થાનો ડેમોક્રસી ઈન્ડેક્સ વધુ ઉચ્ચસ્તરે ગયો હોવાનું પ્રમાણપત્ર છે.