નવી દિલ્હી : કોંગ્રેસ પાર્ટીની અંદર પ્રિયંકા ગાંધીને પક્ષના નવા અધ્યક્ષ બનાવવાની માગણી મજબૂત થઈ રહી છે. પંજાબના મુખ્યપ્રધાન અને કોંગ્રેસના કદ્દાવર નેતા કેપ્ટન અમરિન્દર સિંહે કહ્યુ છે કે પ્રિયંકા ગાંધી પાર્ટીના અધ્યક્ષ પદ માટે આદર્શ ઉમેદવાર હશે.
કેપ્ટન અમરિન્દરસિંહે કહ્યુ છે કે પાર્ટીની કમાન સંભાળવા માટે પ્રિયંકા નિપુણ ઉમેદવાર હશે, પરંતુ આ બધું કોંગ્રેસ વર્કિંગ કમિટી પર નિર્ભર કરે છે, કારણ કે આ મુદ્દા પર આખરી નિર્ણય કોંગ્રેસ વર્કિંગ કમિટીને જ લેવાનો છે.
કેપ્ટન અમરિન્દરસિંહે તાજેતરમાં કહ્યુ હતુ કે પાર્ટીની કમાન કોઈ યુવા નેતાના હાથમાં હોવી જોઈએ. તેમણે સોમવારે રાહુલ ગાંધીના અધ્યક્ષ પદ છોડવા પર પણ ખેદ વ્યક્ત કર્યો હતો. અમરિન્દરસિંહે કહ્યુ છે કે દેશની મોટાભાગની વસ્તી યુવા છે અને એક યુવા નેતા જ યુવાવર્ગની મહત્વકાંક્ષાઓને પૂર્ણ કરી શકે છે.
કેપ્ટન અમરિન્દર સિંહે પ્રિયંકા ગાંધી સંદર્ભે કહ્યુ છે કે તેઓ એક સક્ષમ નેતા છે અને અધ્યક્ષ બનશે તો આસાનીથી પાર્ટીના નેતાઓનો ભરોસો જીતવામાં કામિયાબ થશે અને રાહુલ ગાંધીએ કારણ કે પોતાનું રાજીનામું પાછું લેવાનો ઈન્કાર કર્યો છે, તેવામાં તેમના બદલામાં પ્રિયંકા ગાંધી સારી નેતા સાબિત થશે.