અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને કારણે છેલ્લા કેટલાક મહીનાઓથી શાળા-કોલેજમાં શિક્ષણ કાર્ય બંધ છે. વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. દરમિયાન રાજકોટમાં ખાનગી સ્કૂલ સંચાલકોની મનમાની સામે આવી છે. ખાનગી સ્કૂલ સંચાલકોએ ફી નહીં ભરનાર વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ નહીં આપવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં કોરોના મહામારીને પગલે લોકો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. જેથી સરકાર દ્વારા સ્કૂલ ફીમાં રાહત આપવામાં આવી છે. તેમ છતા આર્થિક કારણોસર અનેક વાલીઓ સંતાનોની ફી ભરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. બીજી તરફ સ્કૂલ સંચાલકો પણ ફી મુદ્દે મનમાની ઉપર ઉતરી આવ્યાં છે. દરમિયાન રાજકોટની સ્વનિર્ભર શાળાના સંચાલકોએ ફી મુદ્દે મનમાની કરતા હોવાનું સામે આવ્યું છે. તેમજ ફી નહીં ભરનારા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીઓના વાલીઓ ફી નથી ભરવા માંગતા તેમના માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનો સ્કૂલ સંચાલકોએ દાવો કર્યો હતો. તેમજ જણાવ્યું હતું કે, આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા વિદ્યાર્થીઓની ફી એપ્રિલ મહિના સુધી જમા કરાવવાનો સમય આપવામાં આવ્યો છે.
સ્કૂલ ફી બાબતે ખાનગી સ્કૂલ સંચાલકોના આ નિર્ણયથી વાલીઓમાં નારાજગી ફેલાઈ છે. તેમજ ફીના કારણે વિદ્યાર્થીઓના ભાવીને નુકશાન નહીં કરવા માટે પણ વાલીઓએ માંગણી કરી છે.