યોગી પર ટ્વિટ કરી જેલમાં જઈ ચુકેલા પ્રશાંત કનૌજિયાએ જનરલ ડાયરની તુલના કરી ભારતીય સેનાધ્યક્ષ સાથે!
યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ વિરુદ્ધ વિવાદીત સોશયલ મીડિયા પોસ્ટ શેયર કરવાને કારણે જેલમાં જઈ આવેલા પત્રકાર પ્રશાંત કનૌજિયા ફરી એકવાર વિવાદોમાં છે. પ્રશાંત કનૌજિયા ફરી એકવાર પોતાની એક પોસ્ટને લઈને વિવાદોમાં છે અને લોકોની ટીકાઓનો શિકાર થઈ રહ્યા છે. પ્રશાંત કનૌજિયાએ તાજેતરમાં આર્મી ચફ જનરલ બિપિન રાવતને લઈને વિવાદીત ટ્વિટ કર્યું છે, જેમા તેમણે આર્મી ચીફની સરખામણી બ્રિટિશ જનરલ રેજિનોલ્ડ ડાયર સાથે કરી છે. જનરલ ડાયરે 1919માં અમૃતસરના જલિયાંવાલા બાગમાં નિશસ્ત્ર ભીડ પર અંધાધુંધ ગોળીબાર કરાવ્યો હતો.
પ્રશાંત કનૌજિયાએ શનિવારે 10મી ઓગસ્ટે આર્મી ચીફને લઈને વિવાદીત ટ્વિટ કર્યું હતું, તેના પછી તેની વિરુદ્ધ યૂઝર્સની આકરી પ્રતિક્રિયાઓ આવી હતી. આમ આદમી પાર્ટીના બળવાખોર નેતા કપિલ મિશ્રાએ પ્રશાંત કનૌજિયાના આ ટ્વિટનો સ્ક્રીનશોટ શેયર કરીને લખ્યું કે જ્યારે યોગીજીએ આ ગદ્દારની ધરપકડ કરી હતી તો દેશના મોટામોટા પત્રકારો તેને બચાવવા આવી ગયા. આજે આ નમકહરામ, માતૃદ્રોહી, ગદ્દાર દેશના સેનાધ્યક્ષની તુલના જનરલ ડાયર સાથે કરી રહ્યો છે. આ ગદ્દારની જગ્યા આગ્રાની તે જેલમાં છે, જ્યાં દેશદ્રોહીઓનો ગેરેન્ટીથી ઈલાજ ચાલુ છે.
વિખ્યાત કવિ કુમાર વિશ્વાસે આ ટ્વિટને ટાંકતા લખ્યુ છે કે દેશની સેનાના પ્રમુખની સરખામણી એક સામ્રાજ્યવાદી હત્યા સાથે કરવી અભિવ્યક્તિની આઝાદી છે? ગૃહ પ્રધાન, ભારતીય સેના અને યુપી પોલીસને અનુરોધ છે કે અપરાધીને અવિલંબ એરેસ્ટ કરવામાં આવે અને દેશની બંધારણીય અખંડિતતાને તોડવા માટે ઉશ્કેરણી કરનારા આવા અપરાધીઓના ટેકામાં ઉતરનારાઓ પર પણ કાર્યવાહી કરો.
મહત્વપૂર્ણ છે કે વિવાદીત ટ્વિટ વાયરલ થયા બાદ પ્રશાંત કનૌજિયા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે એક એડવોકેટે તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. વકીલ અલખ આલોક શ્રીવાસ્તવે પ્રશાંતની વિરુદ્ધ દેશદ્રોહનો મામલો નોંધવાની માગણી કરી છે. જો કે ટીકા થવા પર પ્રશાંત કનૌજિયાએ પોતાનું વિવાદીત ટ્વિટ ડિલીટ કર્યું છે. પ્રશાંતે ટ્વિટને ડિલીટ કરતા લખ્યુ છે કે ગત પોસ્ટથી કેટલાક લોકોની ભાવનાઓ આહત થઈ, તેના માટે ખેદ છે. માનવાધિકાર અને રાષ્ટ્રવાદની લડાઈમાં માનવતાવાદીઓનું ઝુકવું અફસોસજનક છે. આજનું આ સત્ય છે. હું આ ટ્રોલ્સથી મોટો દેશભક્ત છું, બસ સમજમાં ફરક છે. તેમને કાશ્મીર કબજાવાની હવસ છે, મને કાશ્મીરીઓની નજરબંધીનું દર્દ.