- પીએમ મોદી વારાણસીની લેશે મુલાકાત
- 6 લેન NH પ્રોજેકટનું કરશે ઉદ્દધાટન
- પીએમ રાજઘાટ ખાતે દીપ પ્રગટાવીને કરશે દીપોત્સવની શરૂઆત
કાનપુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીની મુલાકાત લેશે,જ્યાં તેઓ રાષ્ટ્રીય ધોરીમાર્ગ-19ના હંડિયા –રાજતળાવ વિભાગના સિક્સ લેન પહોળાવાળા પ્રોજેક્ટનું ઉદ્દઘાટન કરશે. કુલ રૂ. 2,447 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા નવા પહોળા અને સિક્સ લેનવાળા એનએચ -19 ના 73 કિલોમીટરના વિસ્તરણને કારણે પ્રયાગરાજ અને વારાણસી વચ્ચેની મુસાફરી એક કલાકથી ઓછી થશે.
વડાપ્રધાન મોદીના સતત બીજી વાર વડાપ્રધાનના શપથ લીધા બાદ પીએમ મોદીની તેમના સંસદીય મત વિસ્તાર વારાણસીની આ બીજી મુલાકાત છે, જેના માટે આ શહેર તૈયાર કરવામાં આવ્યું છે. વડાપ્રધાન બપોરે બે વાગ્યા બાદ બાબતપુર એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા ખજુરી જનસભા સ્થળે જશે, જ્યાંથી તેઓ એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.
કાશી વિશ્વનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટની પણ કરશે સમીક્ષા
પીએમ મોદી ભગવાન અવધૂત રામઘાટ થી ક્રુઝ પર સવાર થઈને લલિતા ઘાટ પહોંચશે. આ દરમિયાન તે કાશી વિશ્વનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટની સમીક્ષા લેવા સ્થળની મુલાકાત લેશે અને કાશી વિશ્વનાથની મુલાકાત લેશે. આ સાથે તેઓ સારનાથ પુરાતત્વીય સ્થળની પણ મુલાકાત લેશે, જ્યાં તેઓ સારનાથનો લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ જોશે,જેનું તેમણે આ મહિનાની શરૂઆતમાં ઉદ્દધાટન કર્યું હતું.
વડાપ્રધાન દેવ-દિવાળી સમારોહમાં પણ લેશે ભાગ
આ મુલાકાત દરમિયાન પીએમ મોદી કાર્તિક પૂર્ણિમા પર યોજાયેલા ભવ્ય દેવ-દિવાળી સમારોહમાં પણ ભાગ લેશે. વારાણસીમાં દેવ દિવાળી પ્રકાશ અને ઉત્સાહનો વિશ્વ વિખ્યાત ઉત્સવ બની ગયો છે, જે કોરોના મહામારી વચ્ચે સમગ્ર વિશ્વને સકારાત્મકતાનો સંદેશ આપશે.
મહોત્સવની શરૂઆત વારાણસીના રાજઘાટ ખાતે વડાપ્રધાન દીપ પ્રગટાવીને કરશે, ત્યારબાદ ગંગા નદીની બંને બાજુ 11 લાખ દીવડાઓ પ્રગટાવવામાં આવશે. દેવ દિવાળી કાર્યક્રમના પ્રારંભ સાથે પીએમ મોદી ક્રુઝ દ્વારા રવિદાસ ઘાટ જવા રવાના થશે. અને ગંગા નદીની વચ્ચેથી ચેતસિંહ ઘાટ ખાતે આયોજિત લેઝર શો પણ જોશે.
અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કોરોના વેક્સીન માટેની તૈયારીઓનો હિસ્સો લેવા ત્રણ શહેરોની મુલાકાત લીધી હતી, જે અંતર્ગત તેમણે અમદાવાદના ઝાયડસ બાયોટેક પાર્ક, હૈદરાબાદમાં ભારત બાયોટેક અને પુણેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની મુલાકાત લીધી હતી.
_Devanshi