તાપીમાં રાજકીય આગેવાનના ઘરે પ્રસંગ મુદ્દે પોલીસ એક્શનમાં, PIને કરાયાં સસ્પેન્ડ
અમદાવાદઃ કોરોના મહામારી વચ્ચે દક્ષિણ ગુજરાતના તાપીમાં રાજકીય આગેવાનના ઘરે સગાઈના પ્રસંગમાં મોટી સંખ્યામાં મહેમાનો હાજર રહેવાના મુદ્દે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. આઈજી દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત વ્યારામાં યોજાયેલા લગ્ન પ્રસંગ્રમાં ભીડ એકત્ર થવા મુદ્દે પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર તાપીમાં રાજકીય આગેવાન કાંતિ ગામીતની પૌત્રીની સગાઈમાં મોટી સંખ્યામાં મહેમાનો આવ્યાં હતા. જેના સરકારની કોરોના ગાઈડલાઈનનું પણ ઉલ્લંઘન થયું હતું. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચી ગયો હતો. રાજ્ય સરકારે સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસના આદેશ કર્યાં છે. એટલું જ નહીં સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચતા રાજ્યની વડી અદાલતે પણ નારાજગી વ્યક્ત કરી હતી. દરમિયાન સ્થાનિક પોલીસ ઈન્સ્પેક્ટર સી.કે.ચૌધરી અને બીટ જમાદાર અનિરૂદ્ધસિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાનો આદેશ આઈજીએ કર્યો હતો.
આ ઉપરાંત વ્યારાના કપુરા ગામમાં એક લગ્ન પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયાં હતા. જેનો વીડિયો પણ સામે આવ્યો હતો. જેથી પોલીસે આ અંગે કોવિડ-19 જાહેરનામા ભંગની ફરિયાદ નોંધીને તપાસ આરંભી છે.