1. Home
  2. revoinews
  3. આપણા રાષ્ટ્રરત્નો: દેશભક્તિ અને સમાજસેવા, સાહિત્યના ઉપાસક  શ્રી વી.એસ  શ્રીનિવાસ શાસ્ત્રી
આપણા રાષ્ટ્રરત્નો: દેશભક્તિ અને સમાજસેવા, સાહિત્યના ઉપાસક  શ્રી વી.એસ  શ્રીનિવાસ શાસ્ત્રી

આપણા રાષ્ટ્રરત્નો: દેશભક્તિ અને સમાજસેવા, સાહિત્યના ઉપાસક  શ્રી વી.એસ  શ્રીનિવાસ શાસ્ત્રી

0
Social Share

  – પ્રો. યજ્ઞાંગ રસજ્ઞ પંડ્યા

ઇસ 1869- 1870નો સમયગાળો તંજૌર જિલ્લો મદ્રાસ કર્ણાટકમાં 22 સપ્ટેમ્બરે ગરીબ બ્રાહ્મણ પરિવારમાં મંદિરના પૂજારી શ્રી શંકરનારાયણ શાસ્ત્રીજી અને એમના ધર્મનિષ્ઠ સહચારિણીને ત્યાં તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થઇ. બાળપણથી જ ગરીબી સહન કરવાનું આ પુત્રના ભાગ્યમાં આવ્યું ! પણ ગરીબીને અવગણી આ પુત્રએ બાળપણથી જ ધર્મ અને કર્મ પર આગળ વધવાનું નક્કી કર્યું . બાળપણથી જ ધાર્મિક કથાવાર્તામાં ખુબ ઊંડાણપૂર્વક રસ લે સાથે સાથે સંસ્કારસિંચન અને બીજાના ભલામાં કાર્યરત રહે ! આ બાળવીરે ભવિષ્યમાં એના સંસ્કારો અને શિક્ષણના પ્રતાપે દેશમાં અને દુનિયાભરમાંસેવાના માધ્યમ થકી  ડંકો વગાડ્યો . આ બાળક એટલે આપણા દેશના સિદ્ધ સમાજસેવક રાષ્ટ્રસેવક વી.એસ શ્રીનિવાસશાસ્ત્રી. પરિવારમાં ગરીબી ભલે હોય પણ જો તમે સત્યનિષ્ઠા સાથે શ્રદ્ધાપૂર્વક પુરુષાર્થ કરતા રહો તો આત્મવિકાસની સાથે સાથે લોકવિકાસ અને રાષ્ટ્રવિકાસ કરી શકો એનું ઉત્તમ જીવંત ઉદાહરણ એટલે શ્રી વી.એસ શ્રીનિવાસ શાસ્ત્રી !

બાળપણમાં જ સતત અનુભવેલી ગરીબી તેમના માનસપટ પર સહેજ્ય હાવી ના થઇ શકી ઉલ્ટાનું તેમનું આત્મબળ વધ્યું ! શિક્ષણ માટે ખુબ લગાવ હોવાથી તેઓ કુંભકોણમની નેટીવ હાઈસ્કૂલમાં ચાલીને ભણવા જતા. 1884માં મેટ્રિકની પરીક્ષા આપ્યા પછી મદ્રાસ પ્રેસિડેન્સીમાંથી અંગ્રેજી અને સંસ્કૃત વિષયમાં પ્રથમ શ્રેણીમાં ગ્રેજ્યુએટ થયા સાથે સાથે માયાવરમ નગરપાલિકા વિદ્યાલયમાં શિક્ષક તરીકે સેવા આપવાનું શરૂ કર્યું . આ સમયમાં વિષયો પર એમના આગવા પ્રભુત્વના કારણે અને વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની એમની આગવી છટાના કારણે તેઓ વિદ્યાર્થીઓના પ્રિય શિક્ષક બન્યા અને ત્યારબાદ સ્લેમ મ્યુનિસિપલ કોલેજમાં ઉપાચાર્ય બન્યા એમણે પચીપ્પા કોલેજમાં પણ શિક્ષક તરીકે સેવા આપી આમ એમની શિક્ષણયાત્રા આગળ વધતી રહી બાળપણ માં સહન કરેલી ગરીબી અને તકલીફોના કારણે તેમનું વ્યક્તિત્વ સમાજસેવા માટે અને સર્વજન કલ્યાણ માટે ઘડાયું ! એમની શિક્ષણયાત્રા અને સમાજસેવાયાત્રા એક સાથે આજીવન ચાલતી રહી.

શ્રી નિવાસ શાસ્ત્રીજીએ એમના શૈક્ષણિક કાર્યકાળ દરમિયાન મદ્રાસના શિક્ષકો નું સંગઠન સ્થાપ્યું. ત્યારે તેઓ ટ્રીપલીકેન હાઈસ્કૂલના હેડમાસ્તર હતા એમણે સહકારી ક્ષેત્રમાં કામ કરવાનું શરુ કર્યું અને 1904માં ભારતની પહેલી સહકારી સમિતિ ટ્રીપલીકેન અર્બન કોઓપરેટીવ સોસાયટી નો શુભારંભ કર્યો આ દરમિયાન શ્રીનિવાસજીની મુલાકાત 1906માં ભારતીય સ્વતંત્રતા સંગ્રામના અગ્રણી સ્વતંત્રતા સેનાની શ્રી ગોપાલકૃષ્ણ ગોખલેજી સાથે થઇ અહીં એમના જીવનમાં નવો ધ્યેય મળ્યો. તેઓ ગોખલેજી સ્થાપિત સર્વન્ટ ઓફ ઇન્ડિયા સોસાયટી સંસ્થા  તરફ આકર્ષાયા અને 1907માં આ સંસ્થા ના સભ્ય થયા આ સંસ્થા માટે સભ્ય તરીકે સમર્પિત ભાવે કામ કરવાનો ઉત્સાહ અને સંસ્થાના ધ્યેયો સિદ્ધ કરવા માટે શ્રીનિવાસજી ના  પરિશ્રમની પરાકાષ્ઠા જોઈ ગોપાલકૃષ્ણ ગોખલેજી એ તેમને આ સંસ્થાના પ્રમુખ તરીકે જવાબદારી સોંપી. શ્રીનિવાસજી મદ્રાસ વિધાન સભાના પણ સભ્ય બન્યા અને 1916માં કેન્દ્રીય વિધાન મંડળમાં ચૂંટાયા ગોખલેજીના માર્ગદર્શનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં પણ કામ કરવાનું શરુ કર્યું. 1921માં રેલવે સમિતિમાં સ્થાન પામ્યા . આ તમામ જવાબદારીઓ સુંદર રીતે નિભાવતા શ્રીનિવાસજીની દેશમાં એક સફળ રાજનીતિજ્ઞ , કુશળ વહીવટદાર , અભ્યાસુ શિક્ષણવિદ અને સવિશેષ તેમના અસ્ખલિત અને અસકારક અંગ્રેજીમાં ભાષણોને કારણે વધારે લોકપ્રિય  બન્યા. એમના સમયમાં એ  શ્રેષ્ઠ વક્તા હોવાના કારણે એમણે આંતરરાષ્ટ્રીય સ્તરે લીગ ઓફ નેશન્સ માં ભારત દેશનું પ્રતિનિધિત્વ કર્યું. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાથે મતભેદ સર્જાતા એમણે “ઇન્ડિયન લિબરલ ફેડરેશન” નું આગવું સંગઠન સ્થાપ્યું અને સમાજસેવા રાષ્ટ્રસેવા ચાલુ રાખી અને સમાજસુધારક તરીકે સરકાર દ્વારા વિશ્વવ્યાપી પ્રવાસ કર્યો ઇસ 1922માં ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ન્યુઝીલેન્ડ નો પ્રવાસ કર્યો આ દેશોમાં વસતા ભારતીયોની સમસ્યાઓને સુધારવા પ્રયત્ન કર્યો આવા જ કાર્ય માટે તેમણે 1926માં દક્ષિણ આફ્રિકા માં પ્રવાસ કર્યો અને સરકાર દ્વારા તેમણે 1927માં દક્ષિણ આફ્રિકામાં એજન્ટ જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ભારત સરકાર દ્વારા મલાયામાં પણ ભારતીય મજદૂરોની પરિસ્થિતિ પર દસ્તાવેજ તૈયાર કરવા માટે નિયુક્ત કર્યા. 1930-1931માં ભારતમાં સંવૈધાનિક સુધારાઓના પ્રસ્તાવ પર ચર્ચા કરવા માટે લંડન માં આયોજિત ગોળમેજી પરિષદ માં સક્રિય ભાગીદારી કરી આમ સતત રાષ્ટ્રકલ્યાણ માટે દેશ વિદેશ માં પ્રવાસો કર્યા 1935-1940 દરમિયાન પોતાના શિક્ષણ ક્ષેત્રમાં પાછા ફરી મદ્રાસમાં અન્નામલાઇ વિશ્વવિદ્યાલયના કુલપતિ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા.

રાષ્ટ્રસેવાના ક્ષેત્રમાં શ્રીનિવાસજી એ ગોપાલકૃષ્ણ ગોખલેજી ને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા ગોખલેજી માટે એમનું અપાર સ્નેહ અને આદર શ્રીનિવાસજી ના લેખોમાં અને એમના લિખિત પુસ્તક ” માય માસ્ટર ગોખલે” માં અનુભવી શકાય છે. શ્રીનિવાસજીની મિત્રતા અને ઘનિષ્ઠ નાતો ગાંધીજી સાથે પણ રહ્યો ગાંધીજી એમને “મોટાભાઈ”ના આદરભાવે સંબોધતા . અંગ્રેજી ભાષા પરના પ્રભુત્વ અને અદભુત અંગ્રેજી વાક્છટાના કારણે અંગ્રેજો પણ એમને ” સિલ્વર ટંગ શાસ્ત્રી ” ના નામે નવાજતા . સત્યનિષ્ઠા , પરમ દેશભક્તિ અને સમાજસેવા અને સાહિત્યના ઉપાસક શ્રી વી. એસ શ્રીનિવાસ શાસ્ત્રીજી નું સ્વતંત્ર અને શિક્ષિત ભારત માટે નું સમર્પણ રાષ્ટ્રપ્રેમીઓ ના હ્ર્દયમાં આજે પણ અકબંધ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code