ગિલગિટમાં નરસંહારની પાકિસ્તાનની તૈયારીઓ, ભાજપના સાંસદે આશંકા કરી વ્યક્ત
દિલ્હીઃ પાકિસ્તાન પોતાના કબ્જામાં રહેતા ભારતીય વિસ્તાર ગિલગીટ-બાલ્ટિસ્તાનમાં મોટી સંખ્યામાં જાતિય નરસંહારની તૈયારીઓ કરી રહ્યું હોવાની આશંકા લદ્દાખના ભાજપના સાંસદ જામયાંગ સેરિંગે નાંગ્યાલે વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે, ગિલગીટ-બાલ્ટિસ્તાન ભારતનો હિસ્સો છે અને ત્યાંની જનતાને હું સમર્થન કરું છું.
ભાજપના સાંસદે સોશિયલ સાઈટ પર ટ્વીટ કર્યું છે કે, પાકિસ્તાન સેનાની ક્રુર જાતિય સંહારની યોજના છે. ગિલગિટ-બાલ્ટિસ્તાન ભારતનો અભિન્નઅંગ છે. તેમજ ત્યાંની જનતા દ્વારા ચલાવવામાં આવતા આંદોલનને સમર્થન આપું છે. ભાજપના સાંસદે અગાઉ પણ કહ્યું હતું કે, અક્સાઈ ચીન અને ગિલગિટ-બાલ્ટિસ્તાન ભારતના છે. તેને પરત લાવવામાં આવશે. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર થયા બાદ પાકિસ્તાન પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપવાની દિશામાં કામગીરી કરી રહ્યું છે. જેથી ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં હાલ તનાવ ભર્યો માહોલ છે.
બીજી તરફ પાકિસ્તાન સૈન્ય દ્વારા તૈયારીઓ વધારી દેવામાં આવી છે. ભારત આ વિસ્તારોને ગમે ત્યારે પરત લઈ શકે છે તેવો પાકિસ્તાનને ડર સતાવી રહ્યો છે. પાકિસ્તાન દ્વારા આ વિસ્તારને પોતાનો પ્રાંત બનાવવાની તૈયારીઓ શરૂ કરીને આગામી દિવસોમાં ચૂંટણી યોજવાનું આયોજન કર્યું છે. જેનો સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યાં છે.
પાકિસ્તાને આ વિસ્તારમાં તા. 15મી નવેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. આ વિસ્તારમાં ગત 18મી ઓગસ્ટના રોજ જ ચૂંટણી યોજાવાની હતી. જો કે, કોરોના મહામારીને કારણે મુલત્વી રાખવામાં આવી હતી.