નવી દિલ્હી : કરતારપુર કોરિડોર પર રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે થનારી મહત્વની વાટાઘાટ પહેલા ભારતના દબાણની સામ ઝુકતા પાકિસ્તાનની સરકારે મહત્વનું પગલું ઉઠાવ્યું છે. પાકિસ્તાનના આતંકવાદી હાફિઝ સઈદના ખાસ ગુર્ગા અને ખાલિસ્તાનના ટેકેદાર ગોપાલસિંહ ચાવલને પાકિસ્તાન શીખ ગુરુદ્વારા પ્રબંધક કમિટીમાંથી હટાવવામાં આવ્યો છે.
ગોપાલસિંહ ચાવલા હવે કરતારપુર કોરિડોર કમિટીનો પણ સદસ્ય નથી. કરતારપુર કોરિડોરમાં ગોપાલસિંહ ચાવલાના સામેલ કરવા મામલે ભારતે આકરો વાંધો વ્યક્ત કર્યો હતો. આ મુદ્દા પર ભારતે ગત બેઠકને રદ્દ કરી હતી. તેના પછી રવિવારે અટારી-વાઘા બોર્ડર પર શરૂ થનારી બેઠક પહેલા પાકિસ્તાનની સરકારે ગોપાલસિંહ ચાવલને આ કમિટીમાંથી બહારનો રસ્તો દેખાડયો છે.
ગોપાલ ચાવલા પાકિસ્તાનમાં બેઠેલો ભારતનો દુશ્મન છે. પાકિસ્તાનમાં તેનો સંબંધ ગ્લોબલ ટેરરિસ્ટ અને મુંબઈ હુમલાના ગુનેગાર હાફિઝ સઈદ તથા જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહર સાથે છે. પાકિસ્તાની સેના અને આઈએસઆઈના અધિકારીઓનો તે ખાસ વ્યક્તિ છે. પાકિસ્તાનમાં તેની પહોંચનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે પીએમ ઈમરાન ખાન સુધીના ટોચના લોકો તેની સાથે મુલાકાત કરે છે. આઈએસઆઈ ગોપાલસિંહ ચાવલાનો ઉપયોગ પંજાબમાં ખાલિસ્તાની અને ભાગલાવાદી ભાવનાઓને ભડકાવવા માટે કરે છે. કેટલાક મહીનાઓ પહેલા ગોપાલ ચાવલાની તસવીરો પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા સાથે સામે આવી હતી.
કરતારપુર કોરિડોર પર ભારત અને પાકિસ્તાનની વચ્ચે આ વર્ષે એપ્રિલમાં પણ વાટાઘાટો થવાની હતી. આ વાટાઘાટોથી પહેલા જ્યારે પાકિસ્તાને કરતારપુર કોરિડોરના નિરીક્ષણ માટેની 10 સદસ્યોની કમિટીનું એલાન કર્યું હતું, ભારત બેહદ નારાજ થયું હતું. આ કમિટીમાં ખાલિસ્તાની મૂવમેન્ટને હવા આપનારા ગોપાલસિંહ ચાવલા, મનિંદર સિંહ, તારા સિંહ, બિશન સિંહ અને કુલજીતસિંહ જેવા નામ હતા. ભારત સરકારના સૂત્રોનું કહેવું હતું કે આ નામ ભારતમાં ભાગલાવાદીઓ અને દેશવિરોધી ગતિવિધિઓમાં સામેલ હતા. ભારતે આ મામલા પર પાકિસ્તાનના ડેપ્યુટી હાઈકમિશનરને બોલાવીને સ્પષ્ટીકરણ પણ માંગ્યું હતું.
ભારતને આશંકા છે કે પાકિસ્તાન કરતારપુર કોરિડોરના બહાને પંજાબમાં આવા તત્વોની ઘૂસણખોરી કરાવી શકે છે, જે ત્યાં ભાગલાવાદી આંદોલનને હવા આપી શકે છે. ભારતે આ નામો પર આકરો વાંધો વ્યક્ત કરતા કરતારપુર કોરિડોર પર વાત કરવાથી જ ઈન્કાર કર્યો હતો. ભારતની નારાજગી બાદ જ પાકિસ્તાને નવી કમિટીનું એલાન કર્યું છે. 14મી જુલાઈએ થનારી આ બેઠકમાં તીર્થયાત્રીઓના સરળતાથી આવાગમન, પ્રવાસીઓની સંખ્યા, મૂળભૂત સુવિધાઓ,વિવાદીત પુલના મુદ્દા સામે આવશે.