શ્રીનગર: અંકુશ રેખા નજીક પાકિસ્તાનના અધિકૃત કાશ્મીર(પીઓકે)ના કોટલી, રાવલકોટ, બાઘ અને મુઝફ્ફરાબાદમાં 10થી વધુ આતંકી શિબિર સક્રિય થઇ છે. અમુક ગુપ્ત સૂત્રોના માધ્યમથી ન્યૂઝ એજન્સીએ શનિવારે આ વાતની જાણકારી આપી. આતંકી સંગઠનોની સક્રિયતા પાકિસ્તાની સેનાના સહયોગથી વધી છે. તેને જોતા ભારતીય સેનાને હાઇએલર્ટ પર રાખવામાં આવી છે.
પેરિસ સ્થિત ફાઇનાન્શિયલ ટાસ્ક ફોર્સે પાકિસ્તાનને મે 2019માં આ શિબિરો પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવવાની માગ કરી હતી. આવું ન કરવા પર પાકિસ્તાનને મળનારી રકમ રોકી શકાય છે.
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને બે દિવસ પહેલા સંસદના સંયુક્ત સત્રમાં કહ્યું હતું કે ભારતમાં જો બીજી વખત પુલવામા જેવો હુમલો થાય તો તેના માટે ઇસ્લામાબાદ જવાબદાર નહીં હોય. ઈમરાનનું આ નિવેદન જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને આઇએસઆઇ હેન્ડલર્સના આતંકી શિબિરોને ફરી સક્રિય કરવાની છૂટ આપવા જેવું છે.
ગુપ્ત રિપોર્ટ્સમાં એ ખુલાસો થયો છે કે જૈશ, લશ્કર અને તાલિબાનના લગભગ 150 સભ્યો કોટલી નજીક ફાગૂશ અને કુંડ શિબિરો અને મુઝફ્ફરાબાદ વિસ્તારમાં શવાઇ નલ્લાહ અને અબ્દુલ્લાહ બિન મસૂદ આતંકી શિબિરોમાં એકઠા થયા છે. છેલ્લા અમુક દિવસોમાં મસૂદ અઝહરનો ભાઇ ઈબ્રાહીમ અતહર પણ પીઓકેમાં દેખાયો હતો.