કાશ્મીર મુદ્દા પર યુએનમાં ભાવ નહીં મળતા ઈમરાન ખાનને ચચરાટ, સ્થાયી પ્રતિનિધિ મલીહા લોધીને હટાવ્યા
- ઈમરાનની અમેરિકા-યુએનની સફળ યાત્રાનો ફુગ્ગો ફૂટયો
- યુએનમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિને બદલવામાં આવ્યા
- મલીહા લોધીના સ્થાને મુનીર અકરમ યુએનમાં સ્થાયી પ્રતિનિધિ
પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં પોતાના સ્થાયી પ્રતિનિધિ મલીહા લોધીને હટાવ્યા છે. તેમના સ્થાન પર મુનીર અકરમની નિયુક્તિ કરવામાં આવી છે. પાકિસ્તાને આ પરિવર્તન સંયુક્ત રાષ્ટ્ર સંઘની તાજેતરની મહાસભામાંથી પાછા ફર્યાના માત્ર 72 કલાકોમાં કર્યું છે. વિદેશ મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાજદૂત મુનીર અકરમને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં ડૉ.મલીહા લોધીના સ્થાને પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ નિયુક્ત કરવામાં આવ્યા છે.
મલીહા લોધીને હટાવવાનું કોઈ કારણ દર્શાવવામાં આવ્યું નથી. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે યુએનમાં જમ્મુ-કાશ્મીર પર પાકિસ્તાનને કોઈ મહત્વ નહીં મળતા અને દેશની ફજેતી કરવાને કારણે ડૉ. મલીહા લોધીની વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે.
જો કે ઈમરાન ખાન મલીહા લોધીના કામથી નાખુશ હોવાનું જણાવાય રહ્યું હતું. પરંતુ તેમ છતા ઈમરાન ખાને અમેરિકાથી પાછા આવ્યા બાદ પોતાના પ્રવાસને બેહદ સફળ ગણાવ્યો હતો અને પોતાની પાર્ટી પાસે ખુદનું સ્વાગત પણ કરાવ્યું હતું. હવે વિપક્ષી પાર્ટી પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા શેરી રહમાને સવાલ કર્યો છે કે જ્યારે મુલાકાત સફળ રહે છે, તો મલીહા લોધીને હટાવવાની જરૂરત કેમ પડી? મતલબ સ્પષ્ટ છે કે ઈમરાન પાકિસ્તાની જનતાને ગમે તેટલી ગેરમાર્ગે દોરી લે. પરંતુ હકીકત એ છે કે કાશ્મીરના મુદ્દા પર પાકિસ્તાનને કોઈ દેશે ભાવ આપ્યો નથી. તેનાથી ખળભળી ઉઠેલા પાકિસ્તાને આ પગલું ઉઠાવ્યું છે.
મલીહા લોધી હાલમાં ત્યારે ચર્ચામાં આવ્યા હતા, જ્યારે તેમણે ઈમરાનની અમેરિકા યાત્રા દરમિયાન એક ફોટો ટ્વિટ કર્યો હતો. જેમાં તેમણે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનને વિદેશ પ્રધાન ગણાવ્યા હતા. જ્યારે લોકોએ ટ્રોલ કર્યા તો મલીહા લોધીઓ પોતાનું ટ્વિટ ડિલીટ કર્યું હતું. બાદમાં તેમણે આના માટે માફી પણ માંગી હતી, પરંતુ ત્યાં સુધી ઘણો વિલંબ થઈ ચુક્યો હતો.
આના પહેલા
કાશ્મીરમાં અત્યાચારને દર્શાવવાની નિષ્ફળ કોશિશ કરતા મલીહા લોધીએ ગાઝાની એક ઘાયલ
પેલેસ્ટાઈની યુવતીની તસવીર દર્શાવીને કહ્યુ હતુ કે આ કાશ્મીરની એક પીડિત યુવતી છે.
બાદમાં પોલ ખુલી ગઈ અને મલીહા તથા પાકિસ્તાનની ઘણી ટીકા થઈ હતી.