પાકિસ્તાનના એક્ટિવિસ્ટોની પીએમ મોદીને વિનંતી
“બલૂચિસ્તાનમાં થતા અત્યાચારનો મામલો યુએનમાં ઉઠાવો”
સિંધી ફાઉન્ડેશનને સિંધમાં અત્યાચારોનો મામલો ઉઠાવવા કરી વિનંતી
પાકિસ્તાનના માનવાધિકાર કાર્યકર્તાઓએ માગણી કરી છે કે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સિંધ, બલુચિસ્તાન અને ગિલગિટ-બાલ્તિસ્તાનમાં થનારા માનવાધિકાર ઉલ્લંઘનના મામલા સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવવામાં આવે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના કાર્યકર્તાઓએ પણ નરેન્દ્ર મોદી સમક્ષ આવા પ્રકારની માગણી રજૂ કરી છે.
એક કાર્યક્રમ દરમિયાન અમેરિકામાં સિંધી ફાઉન્ડેશનના નિદેશક સૂફી લગહરીએ કહ્યુ છે કે સિંધમાં મુશ્કેલી એ છે કે ત્યાં લોકોમાં ડર છે અને સૌથી કઠિન પડકાર આ ડરને દૂર કરવાનો છે. આને સિંધની અંદરથી દૂર કરી શકાય તેમ નથી. માટે એકમાત્ર આશા બહારના દેશો સાથે છે.
તેમણે આગળ કહ્યુ છે કે હું સૂચન આપીશ કે જ્યારે પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્રમાં આવશે, તો તેમણે સિંધ સંદર્ભે વાત કરવી જોઈએ, કારણ કે ભારતને તેનું નામ સિંધથી મળ્યું હતું અને સિંધના ઘણાં લોકો ભારતમાં રહે છે. લગહરીએ કહ્યુ છે કે ઓછામાં ઓછા તે માનવાધિકારો સંદર્ભે વાત કરી શકે છે, તે સિંધમાં ધાર્મિક સ્વતંત્રતા બાબતે વાત કરી શકે છે.
આ કાર્યક્રમમાં પીઓકે, બલૂચિસ્તાન અને અફઘાનિસ્તાનના કાર્યકર્તાઓએ પણ ભાગ લીધો હતો. બલૂચિસ્તાન માનવાધિકાર પંચના પ્રમુખ તાજ બલૂચે કહ્યુ છે કે બલૂચિસ્તાનમાં સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે, કારણ કે આંતરરાષ્ટ્રીય સમુદાયે અમારા ઉપર થઈ રહેલા અત્યાચારો પર ચુપકીદી સાધી રાખી છે.
તેમણે કહ્યુ છે કે પહેલા પ્રાંતમાં માત્ર કિડનેપિંગ થતું હતું. પછી મારો અને ગાયબ કરોની શરૂઆત થઈ તથા હવે ગામડાંને બાળવાનું કામ કરાઈ રહ્યું છે. આને નરસંહાર કહેવાય છે. પંચના પ્રમુખે આગળ કહ્યુ છે કે યુએન અને માનવાધિકાર સંસ્થાએ બલૂચિસ્તાનમાં આવીને અહીં કરવામાં આવતા અત્યાચારોની તપાસ કરવી જોઈએ. તેમણે પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવી રહેલા અત્યાચારોને રોકવા પડશે.
આ કાર્યક્રમમાં અફઘાનિસ્તાનથી પત્રકાર બિલાલ સરવરીએ પણ ભાગ લીધો હતો. તેમણે કહ્યુ છે કે અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ભૂમિકા એક વિનાશકારી દેશની છે. 2002માં તાલિબાનોના સરકારમાંથી હટયા બાદ અમારી પાસે નવી સફર શરૂ કરવાનો મોકો હતો.
પરંતુ પાકિસ્તાને પોતાની છબી સડક કિનારે બોમ્બ લગાવનારા અને આત્મઘાતી હુમલા કરનારા દેશ તરીકે બનાવી છે. સરવરીએ કહ્યુ છે કે અફઘાનિસ્તાનમાં જેહાદના નામ પર સભાઓ થાય છે અને ફંડ એકઠું કરાઈ રહ્યું છે.