- યોગી સરકાર ભવ્ય રીતથી મનાવશે દેવ-દિવાળી
- અયોધ્યાના દીપોત્સવ બાદ કાશીમાં પ્રગટાવાશે દીવડા
- વારાણસીના 84 ઘાટને રોશનીથી પ્રગટાવવામાં આવશે
- 15 લાખ દીવડાઓથી ઝળહળી ઉઠશે વારાણસીના 84 ઘાટ
દિલ્લી: દિવાળીના અવસર પર અયોધ્યામાં થયેલા દીપોત્સવના વિરાટ, ભવ્ય પ્રકાશમાન આયોજન બાદ હવે કાશીની વિશ્વ પ્રસિદ્ધ દેવ દિવાળી યોગી સરકાર ભવ્ય રીતથી મનાવશે. કાર્તિક પૂર્ણિમા એટલે કે 30 નવેમ્બરના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મત વિસ્તાર વારાણસીના 84 ઘાટને 15 લાખ દીવડાઓથી પ્રગટાવવામાં આવશે. આ વર્ષે દેવ દિવાળી નિમિત્તે આખી કાશીને દુલ્હનની જેમ શણગારવામાં આવશે અને મોટા પાયે ભવ્ય શોનું પણ આયોજન કરવામાં આવશે. આ સાથે જ ગંગા નદીમાં પાણીની લહેરો પર લેઝર શો અને પ્રોજેક્ટરના માધ્યમથી કાશીની મહિમા, શિવનો મહિમા અને ગંગા વંશ વગેરેનું ભવ્ય પ્રદર્શન પણ કરવામાં આવશે.
આ ભવ્ય કાર્યક્રમમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આ ભવ્ય કાર્યક્રમમાં ભાગ લે તેવી સંભાવના છે. દેવ દિવાળી દર વર્ષે બનારસના ઘાટ પર મોટા પાયે ઉજવવામાં આવે છે અને દુનિયાભરના લોકો પણ તેને જોવા માટે પહોંચે છે. દેવ દિવાળી એ કાર્તિક પૂર્ણિમાનો તહેવાર છે જે ઉત્તર પ્રદેશના વારાણસીમાં ઉજવાય છે. આ શહેર કાશીની સંસ્કૃતિ અને પરંપરા છે, જે દિવાળીના પંદર દિવસ પછી ઉજવવામાં આવે છે.
ઉત્તરપ્રદેશ પર્યટન વિભાગના સંયુક્ત નિર્દેશક અવિનાશ મિશ્રાએ કહ્યું હતું કે, આ વખતે દેવ દિવાળીમાં 15 લાખથી વધુ દીવડાઓથી કાશી ઘાટ શણગારવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે દેવ દિવાળી પાછલા વર્ષોથી મોટા પાયે ઉજવાશે. આ પ્રસંગે વિશાળ પ્રકાશ મહોત્સવનું આયોજન કરવામાં આવશે.
મિશ્રાએ જણાવ્યું હતું કે, દેવ દિવાળીના દિવસે 20-25 ઘાટો પર મોટા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.. અહીં આવનારા પર્યટકો પણ આ આખો કાર્યક્રમ બોટ દ્વારા જોઈ શકશે. પાછલા વર્ષો ઉપરાંત પ્રવાસીઓને આ વખતે ઘણી બધી નવી વસ્તુઓ જોવા મળશે. તો સાથે જ કોવિડ -19 ને ધ્યાનમાં રાખીને ગંગા આરતીમાં પણ સોશિયલ ડીસ્ટેન્સિંગનું પાલન અને અંતર જાળવી રાખવાની સંપૂર્ણ વ્યવસ્થા રહેશે.
ગયા વર્ષની તુલનામાં આ વર્ષે ઘાટ પર દીવડાઓની સંખ્યા વધુ રહેશે અને ગંગા ઘાટ ઝળહળી ઉઠશે. ગત વર્ષે દસ લાખ દીવડાઓથી કાશીના ઘાટને શણગારવામાં આવ્યો હતો,જ્યારે આ વખતે 15 લાખથી વધુ દીવડા પ્રગટાવવામાં આવશે. બીજી તરફ જિલ્લા મેજિસ્ટ્રેટ કૌશલ રાજ શર્માએ જણાવ્યું હતું કે, સરકારની ઈચ્છા છે કે, દેવ દિવાળી વધુ સુંદર અને આકર્ષક ઉજવવામાં આવે. કાશીની દેવ દિવાળીમાં પણ અયોધ્યા જેવી ભવ્ય પ્રસંગ યોજવામાં આવે,જેના માટે સરકારે વિશેષ તૈયારીઓ કરવા પણ નિર્દેશ આપ્યો છે.
_Devanshi