સોનાના ભાવ પહોંચ્યો 53 હજારને પાર, આ વર્ષે આટલા ટકાનો થયો વધારો
- સોનાનો ભાવ 53 હજારને પાર, ચાંદીના ભાવ પહોંચ્યા આસમાને
- સોના-ચાંદીના ભાવમાં જોવા મળી તેજી
- ઘરેલું બજારમાં સોનું થયું મોંઘુ
- આ વર્ષે સોનાના ભાવમાં 30 ટકાનો વધારો
કોરોનાકાળમાં સોના-ચાંદીના ભાવોમાં રોજ તેજી જોવા મળી રહી છે. સોનાના ભાવ 53 હજારના સ્તરને પાર કરી ગયા છે. સોના-ચાંદીના હાલના ભાવ ઉપરાંત વાયદાના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે, જેના કારણે રોકાણકારોને હજી પણ આ કિંમતી ધાતુઓ પર વિશ્વાસ છે. આજે પણ જ્યાં ચાંદીનો વાયદો ભાવ કિલો દીઠ રૂ. 64,600 ને પાર કરી ગયો છે, ત્યાં સોનાના ભાવોએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. વૈશ્વિક બજારોમાં તેજીને પગલે ઘરેલુ બજારમાં સોનું મોંઘુ બન્યું છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં બહુમૂલ્ય ધાતુઓ મજબુત થતાં શુક્રવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું 475 રૂપિયા વધીને રૂ. 51,946 પર પહોંચી ગયું છે. પાછલા દિવસે સોનાનો બંધ ભાવ પ્રતિ 10 ગ્રામ 51,471 રૂપિયા હતો. દિવસે ને દિવસે સોનાના ભાવમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આ સાથે આજે ચાંદીના ભાવ પણ વધ્યા છે. ચાંદીનો આઠ વર્ષનો ઉચ્ચતમ સ્તર છે. ગયા અઠવાડિયે સોનાના ભાવમાં ચાર ટકાનો વધારો થયો હતો, જ્યારે ચાંદીમાં 15 ટકાનો વધારો થયો હતો.
આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં લગભગ 30 ટકાનો વધારો થયો છે. જેમાં નિષ્ણાતોનું માનવું છે કે સોનાના ભાવમાં વધુ વધારો થશે અને તે 63 થી 65 હજારના સ્તરને સ્પર્શ કરી શકે છે. આ વર્ષની શરૂઆતમાં સોનું 10 ગ્રામ દીઠ આશરે 39 હજાર રૂપિયાના સ્તરે હતું, જે રેકોર્ડ સ્તરને પાર કરીને હવે 53 હજારની સપાટીને પાર કરી ગયું છે.
_Devanshi