એક્ઝિટ પોલના પરિણામોમાં બીજેપીને ભારે બહુમત મળવાના અનુમાનોના બીજા જ દિવસે એટલે કે સોમવારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને આરએસએસના સરકાર્યવાહ ભૈય્યાજી જોશીની મુલાકાત થઈ. આ મીટિંગ પછી ઘણા પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. એવું એટલા માટે છે કારણકે હાલના મહિનાઓમાં નીતિન ગડકરી ઘણીવાર પોતાનો સ્વતંત્ર અભિપ્રાય રાખે છે. જોકે નીતિન ગડકરીને સંઘની ઘણી નજીક માનવામાં આવે છે. બે કલાક ચાલેલી એ મીટિંગમાં બીજેપી નેતા કૈલાશ વિજયવર્ગીય પણ હાજર હતા.
બીજેપી નેતા અને પશ્ચિમ બંગાળમાં બીજેપી ઇન્ચાર્જ કૈલાશ વિજયવર્ગીયે કહ્યું કે આ મીટિંગ ચૂંટણીને લઇને નહીં પરંતુ અંત્યોદય યોજનાના સંબંધમાં હતી. આ સાથે જ કૈલાશ વિજયવર્ગીયને જ્યારે પૂછવામાં આવ્યું કે શું પાર્ટી અધ્યક્ષ બનવાની રેસમાં તેઓ છે તો તેમણે સ્પષ્ટ કરી દીધું કે હું પાર્ટી અધ્યક્ષના પદની દોડમાં નથી.
આ પહેલા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સોમવારે કહ્યું કે એક્ઝિટ પોલ અંતિમ પરિણામ નથી પરંતુ સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસકાર્યોના દમ પર ભાજપ એકવાર ફરી સત્તામાં આવવાનો સંકેત આપે છે. ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરી મોદીની બાયોપિક ‘પીએમ નરેન્દ્ર મોદી’નું પોસ્ટર જાહેર થયું ત્યારે બોલી રહ્યા હતા. આ બાયોપિક શુક્રવારે રીલીઝ થવાની છે.
એક સવાલના જવાબમાં નીતિન ગડકરીએ કહ્યું, ‘એક્ઝિટ પોલ અંતિમ નિર્ણય નથી પરંતુ સંકેત છે. જોકે એક્ઝિટ પોલમાં જે વાત સામે આવે છે તે ઓછા-વધતાં અંશે પરિણામોમાં જોવા મળે છે.’
વડાપ્રધાન પદ માટે તેમના નામ પર વિચાર વિશે પૂછવા પર ગડકરીએ કહ્યું, ‘મેં આ લગભગ 25થી 50 વખત સ્પષ્ટ કર્યું છે. અમે મોદીજીના નેતૃત્માં ચૂંટણી લડી છે અને નિશ્ચિત રીતે એકવાર ફરી તેઓ વડાપ્રધાન બનશે.’