- નિર્મલા સીતારમણે ઘણાં એલાન કર્યા છે
- એલાન બાદ શેરબજારમાં તેજી
- નિફ્ટી અને રૂપિયો પણ મજબૂત થયા
અર્થવ્યવસ્થાના મોરચા પર કેન્દ્ર સરકારને ગત કેટલાક દિવસોથી ઘણાં આંચકા લાગી રહ્યા હતા. પરંતુ શુક્રવારે આર્થિક સુધારા તરફ વધારવામાં આવેલા પગલા હેઠળ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કેટલાક એલાન કર્યા છે, જેના કારણે માત્ર કારોબારીઓના ચહેરા જ ખિલ્યા નથી, પરંતુ શેરબજારમાં પણ વધારો થયો છે. નાણાં પ્રધાનના એલાનની સાથે જ શેરબજાર 1500થી વધારે અંક ઉછળ્યું અને નિફ્ટી પણ તેજીથી આગળ વધ્યું, તો રૂપિયો પણ મજબૂત થયો છે.
શેરબજારમાં ઐતિહાસિક તેજી
નિર્મલા સીતારમણે શુક્રવારે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાનું એલાન કર્યું, કેપિટલ ગેનથી સરચાર્જ પાછો લેવામાં આવ્યો છે. તેના પછી સેન્સેક્સમાં તેજી જોવા મળી, જોતજોતામાં સેન્સેક્સ 1900 અંક સુધી ઉછળ્યો હતો. બપોરે બાર વાગ્યા સુધીમાં સેન્સેક્સ 37900 અંક સુધી પહોંચ્યો હતો.
નિફ્ટીએ પણ રચ્યો ઈતિહાસ
શુક્રવારે નાણાં પ્રધાનની પ્રેસ કોન્ફરન્સ બાદ નિફ્ટીમાં પણ તેજી જોવા મળી હતી. નિફ્ટીમાં બપોરે 12 વાગ્યા સુધીમાં 517 અંકની તેજી જોવા મળી હતી. એક દિવસમાં નિફ્ટીમાં આટલો મોટો ઉછાળો એક દશકમાં પહેલીવાર જોવા મળ્યો છે. નિફ્ટીની માર્કેટકેપે 2.5 લાખ કરોડ સુધીની રકમને સ્પર્શી છે.
રૂપિયાની પણ વધી ગઈ ધાક
કેન્દ્ર સરકારને સતત અર્થવ્યવસ્થાના મામલા પર ખરાબ સમાચાર મળી રહ્યા હતા. ડોલરના મુકાબલે રૂપિયાની કિંમત પણ સતત ઘટી રહી હતી. પરંતુ શુક્રવારે આ ક્ષેત્રમાં પણ રાહત મળી છે. શુક્રવારે 12 વાગ્યે ડોલરની સામે રૂપિયો 0.66 પૈસા મજબૂત થઈને 70.68ની સપાટીએ પહોંચ્યો. જે સરકાર માટે મોટી રાહત છે.