નવા HRD મંત્રી રમેશ પોખરિયાલ નિશંક પણ ડિગ્રી વિવાદના ઘેરામાં, નામ આગળ ડોક્ટર પર ઉઠ્યા સવાલ
માનવ સંસાધન વિકાસ મંત્રાલય (MHRD)માં ડિગ્રી વિવાદ અટકવાના હાલ કોઈ આસાર દેખાઈ નથી રહ્યા. નવા બનેલા માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક પણ કથિત ફેક ડિગ્રી વિવાદમાં ઘેરાઈ શકે છે. નામની આગળ ડોક્ટર લગાવવાના તેમના શોખે તેમને શ્રીલંકા સ્થિત એક આંતરરાષ્ટ્રીય વિશ્વવિદ્યાલય (ઇન્ટરનેશનલ યુનિવર્સિટી)માંથી 2-2 માનદ ડોક્ટરેટની ઉપાધિ પ્રાપ્ત કરવા માટે પ્રેરિત કર્યા. જ્યારે આ યુનિવર્સિટી શ્રીલંકામાં રજિસ્ટર્ડ નથી.
હકીકતમાં 90ના દાયકામાં કોલંબોની ઓપન ઇન્ટરનેશનલ યુનિવર્સિટીએ રમેશ પોખરિયાલ નિશંકને શિક્ષણમાં યોગદાન માટે એક ડી લિટ (Doctor of Literature)ની ડિગ્રી આપી. તેના કેટલાક વર્ષો પછી તેમને એક અન્ય ડીલિટ ડિગ્રી તે જ યુનિવર્સિટી માંથી મળી. આ વખતે વિજ્ઞાનમાં યોગદાન માટે તેમને બીજી ડિગ્રી આપવામાં આવી.
ચોંકાવનારી વાત એ છે કે આ યુનિવર્સિટી શ્રીલંકામાં ન તો વિદેશી અને ન તો સ્થાનિક યુનિવર્સિટી તરીકે રજિસ્ટર્ડ છે. શ્રીલંકાના યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને તેની પુષ્ટિ પણ કરી છે. આ બાબતે ગયા વર્ષે દહેરાદૂનમાં ફાઇલ થયેલી એક આરટીઆઇ પર તેમના બાયોડેટા વિશે અડધી-પડધી માહિતી આવી. એટલું જ નહીં, તેમના સીવી અને પાસપોર્ટમાં અલગ-અલગ જન્મતારીખ નોંધાયેલી છે. સીવી પ્રમાણે, પોખરિયાલનો જન્મ 15 ઓગસ્ટ, 1959ના રોજ થયો, જ્યારે તેમના પાસપોર્ટમાં 15 જુલાઈ, 1959 છે.
ઉત્તરાખંડના પૌડી જિલ્લાના પિનાની ગામમાં જન્મેલા નિશંકે હેમવતી બહુગુના ગઢવાલ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હાંસલ કરી. તેમની પાસે પીએચડી (ઓનર્સ) અને ડીલિટ (ઓનર્સ)ની પણ ડિગ્રી છે. તેઓ જોશીમઠ સ્થિત રાષટ્રીય સ્વયંસેવક સંઘથી સંચાલિત સરસ્વતી શિશુ વિદ્યામંદિરમાં શિક્ષક તરીકે પણ પોતાની સેવાઓ આપી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે ગઇ સરકારમાં જ્યારે સ્મૃતિ ઇરાની માનવ સંસાધન તેમજ વિકાસ મંત્રી હતા ત્યારે તેમની ડિગ્રી પર પણ વિપક્ષે સવાલ ઉઠાવ્યો હતો. વિપક્ષનું કહેવું હતું કે 2004 અને 2014ની શૈક્ષણિક યોગ્યતામાં સ્મૃતિ ઇરાનીએ અલગ જાણકારી આપી. 2004માં સ્મૃતિએ એફિડેવિટમાં દિલ્હી યુનિવર્સિટીમાંથી આર્ટમાં સ્નાતક હોવાનું લખ્યું, જ્યારે 2014માં તેમણે અમેઠીથી રાહુલ વિરુદ્ધ ચૂંટણી લડવા દરમિયાન 1994માં દિલ્હી યુનિવર્સિટીથી કોમર્સ પાર્ટ-1માં સ્નાતક હોવાની વાત લખી. આ વખતે લોકસભા ચૂંટણી દરમિયાન પણ કોંગ્રેસે ડિગ્રીને લઇને હુમલો કર્યો હતો.