દેશના નવા વિદેશમંત્રી એસ. જયશંકરે પોતાના મંત્રાલયનો કાર્યભાર સંભાળતાની સાથે જ એક્ટિવ થઈ ગયા છે અને પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજના પગલે ચાલી રહ્યા છે. હકીકતમાં મહિલાએ ટ્વિટર દ્વારા મદદની વિનંતી કરી તો વિદેશમંત્રીએ તાત્કાલિક મદદ કરવાનું આશ્વાસન આપ્યું. ઉલ્લેખનીય છે કે પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ ટ્વિટર પર ઘણા એક્ટિવ રહેતા હતા અને મદદની માંગ કરવા પર તાત્કાલિક આશ્વાસન આપીને સહાય કરતા હતા.
એસ. જયશંકરે કાર્યભાર સંભાળ્યા પછી શનિવારે રિંકી નામની એક મહિલાએ વિદેશમંત્રીને ટેગ કરીને ટ્વિટ કર્યું અને મદદ માટે વિનંતી કરી. જેમાં તેમણે લખ્યું, મારી દીકરી બે વર્ષની છે. હું તેને પાછી મેળવવા માટે 6 મહિનાથી સંઘર્ષ કરી રહી છું. તે અમેરિકામાં છે અને હું ભારતમાં છું, મારી મદદ કરો. હું તમારા જવાબની રાહ જોઈ રહી છું.
વિદેશમંત્રી એસ. જયશંકરે મહિલાને તાત્કાલિક જવાબ આપતા લખ્યું, અમેરિકામાં અમારા રાજદૂત પૂરતી મદદ કરશે. તમે તમામ જાણકારી તેમને આપો. જ્યારે મહાલક્ષ્મી નામની એક મહિલાએ ટ્વિટર દ્વારા વિદેશમંત્રી પાસે મદદ માંગી. તેણે કહ્યું કે અમે પરિવારની સાથે જર્મની અને ઇટલીની ટ્રિપ પર છીએ, મારા પતિ અને દીકરાનો પાસપોર્ટ મારા બેગ સાથે ચોરાઇ ગયો છે. અમે 6 જૂનના રોજ ભારત પાછા ફરવાના છીએ. મહેરબાની કરીને મારી મદદ કરો. એ આ ટ્વિટ પર પણ વિદેશમંત્રીએ જવાબ આપ્યો.
આ ઉપરાંત અન્ય એક મહિલાએ પોતાના પતિને કુવૈતથી પાછા બોલાવવા માટે ટ્વિટ કર્યું તો જયશંકરે તાત્કાલિક જવાબ આપતા કહ્યું કે કુવૈતમાં અમારા રાજદૂત આના પર કામ કરી રહ્યા છે. તેમના સંપર્કમાં રહો. નવા વિદેશમંત્રી એસ. જયશંકર પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજની જેમ મદદની વિનંતીને ગંભીરતાથી લઇને તાત્કાલિક જવાબ આપી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ટ્વિટર દ્વારા ભારતીયોની મદદ કરવા માટે સુષ્મા સ્વરાજની ઘણી પ્રશંસા થઈ છે અને એસ. જયશંકરે વિદેશમંત્રી તરીકે નિયુક્ત થયા પછી પોતાના પહેલા ટ્વિટમાં સુશ્મા સ્વરાજના નકશ-એ-કદમ પર ચાલવાની વાત કરી હતી.