નવી દિલ્હી: ભીષણ ગરમીની સામે ઝઝૂમી રહેલી દિલ્હીને આગામી બે દિવસ દરમિયાન શ્વાસ લેવો પણ મુશ્કેલ થાય તેવી સંભાવના છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તરફથી ઉઠેલી ધૂળની મોટી આંધી બુધવારે દિલ્હી-એનસીઆર સહીતના આખા ઉત્તર ભારતને પોતાના લપેટામાં લે તેવી સંભાવના છે. તેની અસર આગામી બે દિવસ સુધી રહે તેવા આસાર છે. કેન્દ્ર સરકારની સંસ્થા સફર ઈન્ડિયાએ મંગળવારે મોડી સાંજે આના સંદર્ભે પણ એલર્ટ જાહેર કર્યું હતુ. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ તમામ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
સફર ઈન્ડિયા પ્રોજેક્ટના નિદેશક ડૉ. ગુફરાન બેગે કહ્યુ છે કે મંગળવારે પાકિસ્તાનના કરાચી અને અફઘાનિસ્તાનના સિસ્તાન બેસિન શહેરમાં ધૂળની એક મોટી આંધી ઉઠી છે. આ આંધી ભારત તરફ આગળ વધી રહી છે અને સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે બુધવારે તે ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોને પોતાની ઝપટમાં લઈ લેશે. આ આંધીને રાજસ્થાનના થાર રણની ધૂળ વધુ ગંભીર બનાવશે.
સફર ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા એલર્ટ પ્રમાણે, આનાથી પીએમ 2.5 અને પીએમ 10 બંનેના પ્રમાણમાં ખાસો વધારો થશે. વાયુ ગુણવત્તાનું સ્તર ઘણી ખરાબ શ્રેણીથી ગંભીર શ્રેણીમાં પહોંચવાના આસાર છે. માટે શ્વાસ સંબંધિત રોગોના દર્દીઓને મુશ્કેલી પડવાની શક્યતા છે અને ઉનાળામાં પણ લોકોને માસ્ક પહેરવા માટે મજબૂર બનવું પડે તેવી શક્યતા છે. જો કે સીપીસીબી તમામ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
સફર ઈન્ડિયા પ્રમાણે, મંગળવારે મોડી સાંજે પણ દિલ્હીનો એર ઈન્ડેક્સ 387 પર પહોંચ્યો હતો. જે બેહદ ખરાબ શ્રેણીમાં આવે છે. ઉનાળા દરમિયાન આટલું વધારે પ્રદૂષણનું સ્તર પહેલીવાર નોંધાયું છે. જ્યારે એનસીઆરમાં સૌથી વધારે પ્રદૂષિત શહેર ગ્રટેર નોઈડા રહ્યુ છે. ગ્રેટર નોઈડામાં એર ઈન્ડેક્સ 353 પીએમ 10ના સ્તર પર સામાન્યથી ચાર ગણો અને પીએમ 2.5નું સ્તર સામાન્યથી બે ગણું વધારે રહ્યું છે.
મહત્વપૂર્ણ છે કે દિલ્હી નજીકના ગુરુગ્રામમાં ગત કેટલાક દિવસોથી પડી રહેલી ગરમી જીવલેણ સાબિત થઈ રહી છે. મંગળવારે બે અલગ-અલગ સ્થાનોપર બે મૃતદેહો મળી આવ્યા હતા.બંનેના લુ લાગવાથી મોત નીપજ્યા હતા.
સોમવારે ભીષણ ગરમી બાદ મંગળવારે દિલ્હીવાસીઓએ ગરમીમાં થોડી રાહત મહેસૂસ કરી હતી. પરંતુ ધૂળની આંધીને કારણે આફત વધી ગઈ છે. મંગળવારે સવારે જ આંશિકપણે વાદળ છવાયેલા રહ્યા હતા. દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં ધૂળિયો પવન ફૂંકાઈ રહ્યો હતો. મંગળવારે આનું કારણ રાજસ્થાન તરફથી ચાલનારી ધૂળ ભરેલી હવા ગણાવવામાં આવી છે. બુધવારે જ્યારે આમા પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની ધૂળ પણ સામેલ થશે, તો હવાની ગુણવત્તામાં વધારે ઘટાડો થશે. મંગળવારે ક્યાંક હળવો વરસાદ પડવાની પણ શક્યતા છે. મંગળવારે દિલ્હીનું મહત્તમ તાપમાન 44.5 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. તે તાપમાન સામાન્યથી પાંચ ડિગ્રી વધારે છે.