નવી દિલ્હી:કહે છે કે વિરોધીમાં પણ કોઈ સારી વાત હોય તો તેને શીખવાથી પરહેજ કરવો જોઈએ નહીં. એનસીપીના પ્રમુખ શરદ પવારે પુણેમાં પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરતા તેમને આરએસએસથી શીખવાની સલાહ આપી છે. પવારે કહ્યુ છે કે જનસંપર્ક કેવી રીતે કરવામાં આવે, તે જો શીખવું હોય, તો આરએસએસ પાસેથી શીખો.
લોકસભા ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ શરદ પવારની પાર્ટી પદાધિકારીઓ સાથે સતત ચિંતન મંથનમાં લાગેલી છે. આ ઘટનાક્રમમાં તેઓ પુણેના ભોસરી વિસ્તારમાં પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરવા માટે આવ્યા હતા.
પવારે એનસીપી કાર્યકર્તાઓઓને સંઘનું ઉદાહરણ આપીને ક્હ્યુ હતુ કે કેવી રીતે ચૂંટણીમાં આરએસએસના લોકો ઘરેઘરે જઈને લોકોને સંપર્ક કરે છે.
શરદ પવારે ઉદાહરણ આપતા કહ્યુ હતુ કે માની લો કે આરએસએસના લોકોને પાંચ ઘરનો સંપર્ક કરવાનો છે. તો તેઓ સવારે આ ઘરોમાં જાય છે. જો પાંચમાંથી કોઈ એક ઘરમાં સવારે સંપર્ક થયો ન હોય, તો તેઓ સાંજે ફરીથી તે ઘરે જાય છે. જો સાંજે પણ કોઈ મળ્યું હોય નહીં, તો તેઓ બીજા દિવસે સવારે જરૂર તે ઘરે જશે. તેઓ ત્યાં સુધી કોશિશ ચાલુ રાખશે કે જ્યાં સુધી તે ઘર સાથે સંપર્ક સધાય નહીં.
પવારે કહ્યુ છે કે આરએસએસના કાર્યકર્તાઓની જનસંપર્કની રીત શીખવા જેવી છે. પવારે પાર્ટીના કાર્યકર્તાઓને કહ્યુ છે કે કેટલાક મહીનાઓ બાદ જ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી થવાની છે. તેના માટે પાર્ટીના કાર્યકર્તાઓ પણ તેવી જ રીતે પુરી તૈયારી સાથે જનસંપર્ક સાધે. જનસંપર્ક કેવી રીતે કરવો જોઈએ, તે શીખવું હોય તો આરએસએસ પાસેથી શીખો.