નવી દિલ્હી: પ્રચંડ જીત સાથે ફરીથી વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદીએ મોટો નિર્ણય કર્યો છે. મોદી સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને કેબિનેટ રેન્કનો દરજ્જો આપ્યો છે. મોદી સરકાર તરફથી આ દરજ્જો તેમને પાંચ વર્ષ માટે આપવામાં આવ્યો છે. 2014માં મોદીના સત્તામાં આવ્યા બાદ ડોભાલ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે કાર્યરત હતા. અત્યાર સુધી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારના પદને રાજ્ય કક્ષાના પ્રધાનનો દરજ્જો પ્રાપ્ત હતો.
મોદી સરકારે ડોભાલને આ સમ્માન રાષ્ટ્રીય સુરક્ષામાં તેમના યોગદાનને જોતા આપવામાં આવ્યું છે. ભારતીય સેના તરફથી કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈકની યોજનાનો શ્રેય એનએસએ ડોભાલને આપવામાં આવે છે.
ફેબ્રુઆરીમાં સીઆરપીએફ જવાનો પર થયેલા પુલવામા એટેક બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી. આ એર સ્ટ્રાઈકની ભૂમિકા અને પ્લાનિંગને લઈને ડોભાલે ઘણી મહત્વની કામગીરી કરી હતી. એર સ્ટ્રાઈકનો શ્રેય પણ ડોભાલને આપવામાં આવે છે.
કોણ છે અજીત ડોભાલ?
અજીત ડોભાલ આઈપીએસ અને ભારતના હાલના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે.
તેઓ 31 મે-2014થી અત્યાર સુધી દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે કામગીરી કરી રહ્યા છે. તેઓ દેશના પાંચમા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે.
1968 કેરળ બેચના અજીત ડોભાલ પોતાની નિયુક્તિના ચાર વર્ષ બાદ ઈન્ટેલિજન્સ બ્યૂરો સાથે જોડાયેલા રહ્યા હતા.
તેઓ સાત વર્ષ સુધી પાકિસ્તાનમાં ગુપ્તચર તરીકે કામગીરી પણ કરી ચુક્યા છે.
અજીત ડોભાલ ભારતના એકમાત્ર એવા પોલીસ અધિકારી છે, જેમને કીર્તિ ચક્ર અને શાંતિકાળમાં મળનાર ગેલેન્ટ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.
અજીત ડોભાલનો જન્મ 1945માં પૌડી ગઢવાલમાં થયો છે.
તેમનો અભ્યાસ અજમેર મિલિટ્રી સ્કૂલમાં થયો છે.