– પ્રો. યજ્ઞાંગ રસજ્ઞ પંડ્યા
આપણાં દેશમાં સદીઓથી તત્વચિંતન અને ધર્મ ચિંતનનું મહત્વ કાયમ રહ્યું છે અને આપણી સંસ્કૃતિ પણ આ ચિંતનના કારણે જ દૈદિપ્યમાન આજે પણ છે અને આવનારા અનેક વર્ષો સુધી રહેશે . સંસ્કૃતમાં એક સુંદર સુભાષિત છે.
प्रेरकः सूचकश्वैव वाचको दर्शकस्तथा ।
शिक्षको बोधकश्चैव षडेते गुरवः स्मृताः ॥
આ સુભાષિત નો સરળ અર્થ સમજીએ તો પ્રેરણા આપનાર , સત્યદર્શન કરાવનાર , રસ્તો બતાવનાર , શિક્ષા આપનાર અને બોધ આપનાર વ્યક્તિઓ ગુરૂતુલ્ય છે . ૧૮૮૮ ની સાલ અને ૫ સપ્ટેમ્બરના દિવસે આંધ્રપ્રદેશની ધર્મનગરી તિરુત્તનીમાં મધ્યમવર્ગીય બ્રાહ્મણ પરિવારમાં સર્વપલ્લી વીરાસ્વામી અને સીતામ્માના કૂખે રાષ્ટ્રગૌરવ ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મ થયો. દક્ષિણ ભારતના રિવાજ પ્રમાણે ગામનું નામ પહેલા લખાય પછી વ્યક્તિનું નામ આવે . સર્વપલ્લી એમના વડવાઓનું વતન . વડવાઓને રોજગારીના પ્રશ્નો સર્જાતા પરિવાર સાથે તિરુત્તનીમાં આવીને વસેલા. પિતા વીરાસ્વામી બ્રાહ્મણકર્મની સાથે શિક્ષકની નોકરી કરીને ઘરનું ગુજરાન ચલાવતા. આમ રાધાકૃષ્ણનજી ને ધર્મભક્તિ અને કર્મભક્તિ વારસામાં મળ્યા. અત્યંત સામાન્ય પરિવારમાં જન્મેલા રાધાકૃષ્ણન જાતમહેનતે અથાગ પુરૂષાર્થે તથા રાષ્ટ્રસમર્પણના કારણે ભારતરત્ન બન્યા.
બાળપણથી રાધાકૃષ્ણનજી ખુબ શરમાળ , પુસ્તકો સાથે ગાઢ મિત્રતા , એકાંત એમનું ઉપવન અને સતત અભ્યાસુ એમનો સ્વભાવ આ ગુણોના લીધે આત્મચિંતન અને આત્મસંયમ આપમેળે એમનામાં વિકસ્યા ,ઉમર વધતા એમની જ્ઞાનપ્રિયતા વધતી રહી. ૧૨ વર્ષ સુધી પિતા પાસે શાસ્ત્રાર્થ શીખ્યા અક્ષરજ્ઞાન લીધું અને ખ્રિસ્તી શાળા ત્યાર બાદ કોલેજ માં પ્રવેશ મેળવ્યો . ખ્રિસ્તી શાળામાં ભણવાના કારણે એમણે બાઇબલને આત્મસાત કર્યું અને અંગ્રેજી ભાષા પર સુંદર પ્રભુત્વ મેળવ્યું. ખ્રિસ્તી વાતાવરણમાં રહેવા છતાં પણ એમની હિંદુ ધર્મ પ્રત્યે આસ્થા સહેજે વિચલિત ન થઇ તિરુતની ના સંત મુથુ સ્વામીના ભજનો એમના મનમાં સતત ગુંજતા રહ્યા. કોલેજકાળમાં કયો વિષય પસંદ કરવો એના વિચારમંથનમાં હતા ત્યારે એમના ભાઈ મદદે આવ્યા અને એમને તત્વ જ્ઞાનના પુસ્તકો આપીને રાહ ચીંધી. ત્યાર બાદ તત્વજ્ઞાન અને દર્શનશાસ્ત્ર એમના પ્રિય વિષયો રહ્યા . તેમના કોલેજકાળ દરમિયાન તેમને વિકટ આર્થિક પરિસ્થિતિનો સામનો કરવાનો આવ્યો. કોલેજમાં ભણતા ભણતા સાથે ટ્યુશનો કરીને અભ્યાસનો ખર્ચ કાઢ્યો. આ સમય દરમિયાન તેઓ સ્વામી વિવેકાનંદના પુસ્તકો અને ભાષણોના આધ્યાત્મિક સહવાસમાં આવ્યા અને એનું પરિણામ એ આવ્યું કે તેમણે માત્ર વિસ વર્ષની ઉંમરે ” ઘ એથિક્સ ઓફ વેદાંત ” પર શોધનિબંધ પ્રસ્તુત કરીને એમ.એ ની ડિગ્રી મેળવી .
સાલ ૧૯૦૮ થી પ્રેસિડન્સી કોલેજમાં તર્ક શાસ્ત્રના વિષય સાથે એમની શિક્ષક તરીકેની યાત્રા શરુ થઇ. ૧૯૧૦ માં એલ .ટી ની ડિગ્રી મેળવી તેઓ પ્રાધ્યાપક થયા. એમનું મનોવિજ્ઞાન વિષયનું ઊંડાણ અને અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ જોઈ વર્ગમાં બેસનાર સૌ કોઈ વિદ્યાર્થીઓ મંત્રમુગ્ઘ થઇ જતા. ધીરે ધરે એમનું અધ્યાપન કાર્ય એમની વિષયો ને છણાવટ પૂર્વક સમજાવવાની વિશેષ પદ્ધતિ દેશમાં અને વિદેશમાં ખ્યાતિ પામવા લાગી પરિણામે ઓક્સફર્ડ , કેમ્બ્રિજ યુનિવર્સીટીઓ માંથી તેમણે અધ્યાપન કાર્ય માટે આમંત્રણો મળવા લાગ્યા અને આમ અધ્યાપન ક્ષેત્રમાં આપણા દેશનું નામ વૈશ્વિક ક્ષેત્રે વધુ જાણીતું બન્યું. અધ્યાપન કાર્યમાં આગવી છટા , વિષય અને ભાષા પર પ્રભુત્વ તથા અત્યંત મૃદુ સ્વભાવના કારણે તેઓ વિદ્યાર્થીઓના પ્રીતિપાત્ર બન્યા . ચેન્નાઇની કોલેજમાં એમણે દસ વર્ષ શિક્ષણ આપ્યું. ત્યાર બાદ મૈસુરના દીવાન સર વિશ્વેસૈરૈયાનું ધ્યાન તેમની તરફ આકર્ષાયું અને રાધાકૃષ્ણનજી ને મૈસુર આવવા આમંત્રણ આપ્યું.
નાતજાત ના ભેદભાવ સિવાય જ્યાં જતા ત્યાં ઉદાર મને તેઓ તેમના જ્ઞાન નો પ્રકાશ પાથરતા રહ્યા એક પ્રસંગે એમને એક વિદ્યાર્થી એ પ્રશ્ન કર્યો ” શું આપ વિદેશ માંથી ભણ્યા છો ? ” રાધાકૃષ્ણનજીએ રાષ્ટ્રગૌરવને શોભે એવો સીધો જવાબ આપ્યો કે ” હું વિદેશમાં ભણાવવા જવાનો છું ક્યારેય ભણવા ગયો નથી.” ત્યારબાદ તેમણે કલકત્તા માં દર્શનશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે સેવા આપી . અને તેમને ઓક્સફર્ડ યુનિવર્સીટી દ્વારા ” સ્પાલ્ડિંગ ચેર ઓફ ઇન્સ્ટર્ન રિલિજિયન એન્ડ એથિક્સ” નું આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયું . નવ વર્ષ સુધી ઓક્સફર્ડ યુનિવર્સીટીમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપતા રહ્યા . ઇસ ૧૯૩૧ માં આંધ્રયુનિવર્સીટી ના કુલપતિ તરીકે નિમાયા . કુલપતિ નો કાર્યભાર સંભાળતા જ દેશમાં શિક્ષણમાં વિકાસ થાય તેવા શુભભાવ થી મકાનો , પુસ્તકાલયો , છાત્રાલયો બંધાવ્યા અને સવિશેષ એ સમયમાં જ્ઞાતિ આધારિત રસોડા ચાલતા હતા તે સદંતર બંધ કરાવી સૌ જ્ઞાતિ માટે એક જ રસોડું શરુ કરી રાષ્ટ્રીય ઐક્ય નું ઉત્તમ ઉદાહરણ આપ્યું . ઇસ ૧૯૩૯ માં બનારસ વિશ્વવિદ્યાલય ના કુલપતિ નિમાયા . કલકત્તા , બનારસ , ઓક્સફર્ડ એમ ત્રણેય જગ્યા એ જ્ઞાન આપતા રહ્યા. વર્ષ ૧૯૪૬ માં પ્રોફેસર રાધાકૃષ્ણન એ ડોક્ટર રાધાકૃષ્ણન બન્યા કલકત્તા એ એમણે ” ઓનરરી ફેલો ” ની ડિગ્રી થી નવાજ્યા. રાષ્ટ્રમાં શિક્ષણ માટે સતત કાર્ય કરતા ડૉ રાધાકૃષ્ણન ઓક્સફર્ડ યુનિવર્સીટીમાં ” ધ હિંદુ વ્યુ ઓફ લાઈફ ” વિષય પર વ્યાખ્યાન આપવા પહોંચ્યા આમ હિંદુ સંસ્કૃતિ અને તત્વદર્શનનો પ્રચાર પ્રસાર વૈશ્વિક ક્ષેત્રે કર્યો. આમ એમની શિક્ષણ યાત્રા સાતત્ય સભર સતત ચાલતી રહી. યુનિવર્સીટીઓ થી લઈ ને ઇંગ્લેન્ડ ના દેવળોમાં એમના વ્યાખ્યાનો ગુંજવા લાગ્યા આ તમામ વ્યાખ્યાનોમાં પૂર્વ અને પશ્ચિમના વિચારોનો સુભગ સમન્વય અનુભવાયો. ઇન્ડિયન ફિલોસોફી ઉપર એમના બે દળદાર ગ્રંથ વિશ્વમાન્ય બન્યા સાથે આ વિષયો ઉપર ૨૫ જેટલા ગ્રંથો જ્ઞાન ઉપાસકો ને આપ્યા અને આ ગ્રંથો એ એમની ખ્યાતિ વૈશ્વિક ક્ષેત્રે વધારી આ જ્ઞાનયોગ અને કર્મયોગના પ્રતાપે પંડિત નહેરુ એ એમને રશિયાના રાજદૂત તરીકે નીમ્યા. ૧૯૫૦ માં મોસ્કો ના એલચી નિમાયા અને ત્યારબાદ પ્રજાસત્તાક ભારત ના પ્રથમ ઉપરાષ્ટ્રપ્રમુખના પદ પર નિમણૂંક થઇ , ૧૯૬૨ થી ૧૯૬૭ એમણે આપણા દેશના રાષ્ટ્રપ્રમુખના ગરિમામય પદને શોભાવ્યું. આ દરમિયાન પણ એમની અભ્યાસયાત્રા વાંચનયાત્રા ચાલુ રહી એક શિક્ષક રાષ્ટ્રપ્રમુખના પદ પર નિમણુંક થતાં જ સમગ્ર દેશના પ્રજાજનો માં આનંદની લાગણી પ્રસરી ગઈ . આટલા ઉચ્ચ હોદ્દાઓ પર રહેલા ડૉ રાધાકૃષ્નન જી ની સાદગી પહેરવેશ માં લાંબો કોટ , ધોતિયું અને મદ્રાસી પાઘડી શિક્ષક થી શરુ કરી ને રાષ્ટ્રપ્રમુખ સુધી એની એ જ રહી . શિક્ષણ માટે એમણે સાદગી અને સેવાભાવ સાથે સમર્પણ આપ્યું . એમનો જન્મદિવસ ઉજવવા થનગનતા દેશના નૌજવાનો ને એમણે એમના જન્મદિવસ ને શિક્ષક દિવસ તરીકે ઉજવવા વિનવ્યા અને આજે પણ આ મહાન રાષ્ટ્રરત્ન ભારત રત્ન ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન જી નો જન્મ દિવસ આપણે શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ આપણા સમાજ જીવન માં એમના શિક્ષણ માટે ના મૂલ્યો ને જીવંત રાખી એમની ચેતના ને સદાય જીવંત રાખવા આપણે સૌ પ્રયત્નશીલ રહીએ .
– ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણનનો રાષ્ટ્રવિચાર
શિક્ષક એ નથી જે વિદ્યાર્થી ના મગજ માં તથ્યો ને બળજબરીપૂર્વક ઠૂસી ને ભરે ..!!
પણ સાચો શિક્ષક એ જ હોય છે જે વિદ્યાર્થીઓ ને આવનારા પડકારો નો સામનો કરવા તૈયાર કરે..!!