‘કોરોનિલ’ બ્રાન્ડના ઉપયોગ બાબતે મદ્રાસ હાઇકોર્ટે પતંજલિ આયુર્વેદને રૂ.10 લાખનો દંડ ફટકાર્યો
- બાબા રામદેવની પતંજલિ કંપનીને મદ્રાસ હાઇકોર્ટે ફટકાર્યો દંડ
- મદ્રાસ હાઇકોર્ટે કોરોનિલ બ્રાન્ડના ઉપયોગ બાબતે કંપનીને ફટકાર્યો દંડ
- મદ્રાસ હાઇકોર્ટે 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો
બાબા રામદેવની કંપની પતંજલિએ થોડાક સમય પહેલા કોરોનિલ નામની ટેબલેટ્સ લોન્ચ કરી હતી જેના પર ખૂબ જ વિવાદ થયો હતો. મદ્રાસ હાઇકોર્ટે પતંજલિને કોરોનિલ બ્રાન્ડનો ઉપયોગ કરવા બાબતે 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ સાથે જ કોર્ટે કોરનિલ શબ્દનો ઉપયોગ બંધ કરવા કંપનીને આદેશ આપ્યો છે.
કોર્ટે આ દંડ એ દાવા પર ફટકાર્યો છે જેમાં કહેવામાં આવ્યું હતું કે, તેમનું આયુર્વેદિક સૂત્રીકરણ કોરોનિલ કોરોના વાયરસને ઠીક કરી શકે છે. જણાવી દઇએ કે આ પહેલા મદ્રાસ હાઇકોર્ટે કોરોના વાયરસની સારવારને લઇને રજૂ કરવામાં આવેલા કોરોનિલના ટ્રેડમાર્કના ઉપયોગ પર પણ પ્રતિબંધ લગાવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર ન્યાયાધીશ સીવી કાર્તિકેયને ચેન્નાઇની કંપની અરૂદ્રા એન્જિનિયરિંગ લિમિટેડની અરજી પર 30 જુલાઇ સુધી આ વચગાળાનો આદેશ આપ્યો હતો. અરૂદ્રા એન્જીનિયરિંગ લિમિટેડે દાવો કર્યો હતો કે વર્ષ 1993થી તેમની પાસે કોરોનિલ ટ્રેડમાર્ક છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, વર્ષ 1993માં ‘કોરોનિલ-213 એસપીએલ’ અને ‘કોરોનિલ-92 બી’નું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તેઓ ત્યારથી તેને રિન્યૂ કરાવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બાબા રામદેવે બુધવારે દાવો કર્યો હતો કે પતંજલિ આયુર્વેદ કોરોનિલની માગને પૂરી કરવા માટે મથી રહી છે. અત્યરા સુધી તે હાલમાં રોજ માત્ર એક લાખ પેકેટ જ ઉપલબ્ધ કરાવી રહી હતી. તેમણે કહ્યું કે, આજે રોજ કોરોનિલના 10 લાખ પેકેટની માગ થઈ રહી છે. જો કે મદ્રાસ હાઇકોર્ટે હાલમાં કંપનીને દંડ ફટકાર્યો છે.
(સંકેત)