- સમગ્ર દેશમાં 1 ઑગસ્ટથી અનલોક 3.0 અમલી બનશે
- જીમ અને યોગ સંસ્થાઓને ખોલવાની પરવાનગી મળશે
- જાણો શું ખુલ્લું રહેશે અને શું રહેશે બંધ
સમગ્ર દેશમાં શનિવારથી એટલે કે 1 ઑગસ્ટથી અનલોક 3.0ની પ્રક્રિયા શરૂ થશે. અગાઉના અનલોક 1 અને 2 મુજબ આ વખતે પણ કેટલીક છૂટછાટો આપવામાં આવી છે. જો કે કેટલાક ક્ષેત્રોમાં પ્રતિબંધ હજુ યથાવત્ રાખવામાં આવ્યો છે. સ્વાસ્થ્ય સંબંધિત મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સરકાર તરફથી જીમ અને યોગ સંસ્થાઓને ખોલવાની છૂટ આપવામાં આવી છે. આ સંસ્થાનો આગામી 5મી ઑગસ્ટથી કેટલીક શરતોના આધીન ખોલવામાં આવશે. જો કે હજુ સ્કૂલ, કોલેજો અને કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સને 31 ઑગસ્ટ સુધી બંધ રાખવાનો આદેશ છે.
જાણો અનલોક 3.0 દરમિયાન શું ખુલ્લું અને શું બંધ રહેશે.
- સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જીમ અને યોગ સંસ્થાનોને ખોલવાની છૂટ આપવામાં આવી છે.
- પરિવહન સેવાઓ પણ શરૂ રહેશે.
- સિનેમા હોલ, સ્વીમિંગ પૂલ, એન્ટરટેઇનમેન્ટ પાકર્સ, થિયેટર, બાર બંધ રહેશે.
- ઓડિટોરિયમ પણ બંધ રહેશે.
- મેટ્રો રેલ તેમજ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ રહેશે.
- સામાજિક, રાજનીતિક અને શૈક્ષણિક મેળાવડાઓ પર પ્રતિબંધ યથાવત્ રહેશે.
- સ્વતંત્રતા દિવસે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે.
- કાર્યક્રમમાં સામેલ થનારા લોકોએ માસ્ક પહેરવું અનિવાર્ય રહેશે.
નોંધનીય છે કે, સમગ્ર દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 15 લાખને પાર થઇ ચૂક્યો છે. જ્યારે મૃતકાંક પણ 34 હજારથી વધુ થયો છે. જો કે દેશમાં સંક્રમિત દર્દીઓની સામે સ્વસ્થ અને સાજા થનારા દર્દીઓના રિકવરી રેટમાં સુધારો જોવા મળ્યો છે. તે ઉપરાંત દેશમાં દૈનિક ટેસ્ટિંગની ક્ષમતા પણ સરકારે વધારી છે.
(સંકેત)