- કર્મચારીઓ માટે મહત્વના સમાચાર
- કેન્દ્રીય શ્રમ મંત્રાલયે કામકાજના કલાકોને લઇને નવો પ્રસ્તાવ રજૂ કર્યો
- જે કર્મચારીઓ 8 કલાકથી વધુ કામ કરશે તેને ઓવરાટાઇમ આપવામાં આવશે
નવી દિલ્હી: કર્મચારીઓ માટે એક મહત્વના સમાચાર છે. કેન્દ્રીય શ્રમ મંત્રાલયે કર્મચારીઓના કામના કલાકોને લઇને નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે. નવા લેબર કોડમાં કહેવામાં આવ્યું છે કે કંપનીઓ કર્મચારીઓ પાસે 1 દિવસમાં 12 કલાક કામ કરાવી શકશે. OSH કોડ 2020 હેઠળ તૈયાર ડ્રાફ્ટમાં આ જોગવાઇને રજૂ કરાઇ છે અને તેને સંસદમાં મંજૂરી મળી છે. પ્રસ્તાવમાં એમ પણ કહેવાયું છે કે કર્મચારીઓ 8 કલાકથી વધુ કામ કરશે તો તેને વધારાના કલાકનો ઓવરટાઇમ આપવામાં આવશે. તે ઉપરાંત કામકાજ દરમિયાન આપવામાં આવતા બ્રેકને પણ કામકાજના કલાકોમાં ગણવામાં આવશે.
જો કે કામકાજના કલાકો વધારવાના પ્રસ્તાવ વિરુદ્વ આગામી દિવસોમાં ઘેરા પ્રત્યાઘાતો પડી શકે છે. સંસદ દ્વારા મંજૂર કરાયેલા OSH કોડમાં 1 દિવસમાં કામકાજનો વધુમાં વધુ સમય 8 કલાક હતો પરંતુ હવે દેશના વિવિધ ભાગમાં જલવાયુ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કલાકો વધારવાનો નિર્ણય લેવાયો છે. આમ કરવાથી ખાસ કરીને શ્રમિકો ઓવરટાઇમની મદદથી વધુ કમાણી કરી શકશે.
જો શ્રમિકો 8 કલાકથી વધુ કામ કરે છે તો તેમને ઓવરટાઇમ મળી શકે છે. આ સિવાય OSH કોડના ડ્રાફ્ટ અનુસાર જો કર્મચારી 15 થી 30 મિનિટના સમય જેટલું વધારે કામ કરે છે તો તે સમય 30 મિનિટના ઓવરટાઇમનો ગણાશે. દરેક 5 કલાકના કામકાજ બાદ કર્મચારીને અડધો કલાકનો વિશ્રામ આપવાનો પણ નિયમ બનાવવામાં આવ્યો છે.
(સંકેત)