- બેંગ્લુરુના રહેવાસી અરુણ કુમારે 77 વાર ટ્રાફિક નિયમોનું કર્યું ઉલ્લંઘન
- પોલીસે અંતે કંટાળીને તેઓને 2 મીટર લાંબો મેમો પકડાવી દીધો
- તેઓને દંડ તરીકે 42,500 રૂપિયાનો મેમો ભરવો પડશે
બેંગ્લુરુ: ભારતમાં વાહન ચાલકો વારંવાર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા હોય છે અને ટ્રાફિક પોલીસ તેને મેમો ફટકારતા હોય તેવા દ્રશ્યો તમે વારંવાર જોયા હશે પરંતુ એવા બહુ ઓછા લોકો હશે જે વારંવાર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે. બેંગ્લુરુમાં આવા જ એક વાહનચાલકે 77 વખત નિયમોનું ઉલ્લંઘન કરતા ટ્રાફિક પોલીસે કંટાળીને તેને 2 મીટર લાંબો મેમો પકડાવી દીધો છે. આ મેમો હાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, બેંગ્લુરુના રહેવાસી અરુણ કુમાર જ્યારે હેલ્મેટ પહેર્યા વિના સ્કૂટર લઇને જઇ રહ્યા હતા ત્યારે ટ્રાફિક પોલીસે તેમને રોક્યા હતા અને સામાન્યપણે આ ગુનામાં 500 રૂપિયાનો દંડ ભરવાનો હોય પણ વાહન ચાલક અરુણ કુમાર ત્યારે ચોંકી ગયા કે જ્યારે પોલીસે તેઓને 2 મીટર લાંબો મેમો પકડાવી દીધો. આ દંડની રકમ તેમના સેકન્ડ હેન્ડ સ્કૂટરની કિંમત રૂપિયા 20 હજાર કરતા પણ વધુ હોવાનું જાણવા મળ્યું છે.
ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર વાહનચાલક અરુણ કુમારે 77 વખત ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. હવે તેઓને દંડ તરીકે 42,500 રૂપિયાનો મેમો ભરવો પડશે. પોલીસે તેનું સ્કૂટર પણ જપ્ત કરી લીધું છે. વાહનચાલક અરુણ કુમારે આ મેમોની ચૂકવણી કરવા માટે પોલીસ પાસે થોડો સમય માંગ્યો છે કે જેથી તેઓ પૈસાની વ્યવસ્થા કરી શકે.
ભારતમાં ટ્રાફિકના અનેક પ્રકારના નિયમો છે પરંતુ વાહનચાલકોમાં હજુ પણ ટ્રાફિક નિયમોના પાલન પ્રત્યે સજાગતા અને જાગૃતિ નથી જોવા મળી રહી. વાહનચાલકો વારંવાર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાય છે. લોકો ખાસ કરીને હેલ્મેટ ના પેહરીને બેદરકારી દર્શાવે છે અને અંતે અકસ્માતનો ભોગ છે. ભારતમાં દર વર્ષે આ જ કારણોસર હજારો લોકો અકસ્માતમાં મૃત્યુ પામે છે.
(સંકેત)