– આજે યુનિવર્સિટી અને કોલેજોમાં અંતિમ વર્ષની પરીક્ષાને લઇને થઇ સુનાવણી
– આ મામલાની સુનાવણીને હવે વધુ 14 ઓગસ્ટ સુધી ટાળવામાં આવી
– યુજીસી-સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પક્ષ રજૂ કર્યો
સુપ્રીમ કોર્ટમાં આજે યુનિવર્સિટી તેમજ કોલેજોમાં અંતિમ વર્ષ કે સેમેસ્ટર પરીક્ષા યોજવાને લઇને સુનાવણી થઇ હતી. આજે એટલે કે 10 ઓગસ્ટના રોજ સુનાવણી થયા બાદ હવે આ મામલાને 14 ઓગસ્ટ સુધી ટાળવામાં આવ્યો છે. સુનાવણી દરમિયાન યુજીસી તેમજ સરકારનો પક્ષ રજૂ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે પરીક્ષાનું આયોજન વિદ્યાર્થીઓના હિતમાં છે. તેનાથી સંબંધિત નિયમ બનાવવાનો અધિકાર યુજીસીનો છે, રાજ્ય સરકાર આ નિયમોમાં કોઇ સંશોધન ના કરી શકે.
પ્રાપ્ત વિગતો અનુસાર અગાઉ યુજીસીએ 6 જુલાઇએ માર્ગદર્શિકા જારી રકીને કેન્દ્રીય તેમજ રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ, ડીમ્ડ યુનિવર્સિટીઓ અને અન્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં અંતિમ વર્ષ કે સેમેસ્ટરની પરીક્ષાઓને અનિવાર્યપણે 30 સપ્ટેમ્બર સુધી યોજવાની વાત કહી હતી.
જો કે આ નિર્ણય વિરુદ્વ કેટલાક વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજી પર પ્રથમ સુનાવણી 31 જુલાઇએ હાથ ધરાઇ હતી. ત્યારબાદ આજે એટલે કે 10 ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરાઇ હતી.
31 જુલાઇએ થયેલી સુુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે યુજીસી તેમજ સરકાર તરફથી પક્ષ રજૂ કરી રહેલા તુષાર મહેતાને કહ્યું હતું કે તેઓ 7 ઓગસ્ટ 2020 સુધી એફિડેવિટ દાખલ કરે બીજી તરફ વિદ્યાર્થીઓનો પક્ષ રજૂ કરતા વકીલ સિંઘવીએ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના હોવાથી ઓનલાઇન પરીક્ષા આયોજીત કરવી મુશ્કેલ છે. તે ઉપરાંત કોવિડ-19ના સંક્રમણને કારણે ફિઝિકલી પરીક્ષાઓ યોજાય તો તેનાથી સંક્રમણ વધવાનો ખતરો છે. તેથી તે પણ શક્ય નથી.
નોંધનીય છે કે હવે જ્યારે સુપ્રીમ કોર્ટમાં આ મામલાની સુનાવણી 14 ઓગસ્ટના રોજ યોજાશે ત્યારે સુપ્રીમ કોર્ટ વિદ્યાર્થીઓના હિતમાં તેમજ કોરોના સંક્રમણને જોતા કઇ રીતે નિર્ણય લેશે તે જોવાનું રહેશે.
(સંકેત)