- દેશમાં ધીરે ધીરે ચોમાસુ હવે વિદાય લઇ રહ્યું છે
- આ વર્ષે દેશના જુદા જુદા ભાગોમાં 109 % કે તેનાથી વધુ વરસાદ થયો
- ગત વર્ષે 2019માં 110 ટકાથી વધારે વરસાદ નોંધાયો હતો
દેશમાં હવે ચોમાસું ધીરે ધીરે વિદાય લઇ રહ્યું છે. આ વર્ષે ગત વર્ષની જેમ સામાન્યથી વધારે વરસાદ પડ્યો. છેલ્લા 120 વર્ષોમાં આ 19મું વર્ષ છે જ્યારે 109 ટકા કે તેનાથી વધારે વરસાદ દેશના જુદા જુદા ભાગમાં પડ્યો છે.
ગત વર્ષ 2019માં 110 ટકાથી વધારે વરસાદ નોંધાયો જ્યારે વર્ષ 2020માં વરસાદનો આંકડો 109 ટકા રહ્યો. આ પહેલા વર્ષ 1958માં 109.8 ટકા અને વર્ષ 1959માં 114.3 ટકા વરસાદ નોંધાયો હતો. આ સિવાય વર્ષ 1916માં 110 ટકા અને વર્ષ 1917માં 120 ટકાથી વધારે વરસાદ નોંધાયો હતો.
આ વખતે દેશના 36માંથી 31 સબ ડિવિઝનમાં સામાન્યથી વધારે વરસાદ નોંધાયો. આ વર્ષે ચોમાસાની સિઝનમાં ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ પડ્યો. ચાર મહિના રહેલા ચોમાસામાં ઓગસ્ટ મહિનામાં 27% વરસાદ નોંધાયો. આ વખતે ચોમાસાની વિદાય 11 દિવસ મોડી થઈ છે.
સામાન્યપણે 17 સપ્ટેમ્બરે ચોમાસાની વિદાય થતી હોય છે. પરંતુ આ વર્ષે ચોમાસાની વિદાય મોડી થઈ. આ વર્ષે ચોમાસાની વિદાય પ્રક્રિયા 28 સપ્ટેમ્બરના રાજસ્થાન અને પંજાબમાંથી શરૂ થઈ. સમગ્ર દેશમાંથી ચોમાસાની વિદાયની સામાન્ય તારીખ 15 ઓક્ટોબર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જુલાઈમાં બંગાળની ખાડીમાં મોનસૂન ડિસ્ટર્બન્સ પેદા નહી થવાના કારણે વરસાદમાં ઘટાડો જોવા મળ્યો. હવામાન વિભાગે જાણકારી આપી કે ઓગસ્ટના અંતમાં પેસિફિક મહાસાગરમાં નબળું લા-નીના અને જુલાઈથી હિંદ મહાસાગરમાં ન્યૂટ્રલ IOD બનેલું છે. વિભાગે જણાવ્યું કે, ઓક્ટોબરથી ડિસેમ્બર સધી આ સ્થિતિ બની રહેવાની સંભાવના છે. તેથી આ વર્ષે ઠંડી સામાન્ય રહેશે.
(સંકેત)