- મત્સ્યઉદ્યોગ ક્ષેત્ર માટે 20,050 કરોડની યોજના શરૂ કરાઈ
- મોબાઇલ એપ્લિકેશન ઇ-ગોપાલા પણ કરી લોંચ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રૂ. 20,050 કરોડની વડાપ્રધાન મત્સ્ય સમ્પદા યોજનાની શરૂઆત કરી. આ યોજનાનો ઉદ્દેશ ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના લક્ષ્ય હેઠળ મત્સ્યઉદ્યોગ ક્ષેત્રની નિકાસ વધારવાનો છે. વીડિયો કોન્ફરન્સ દ્વારા આયોજિત આ કાર્યક્રમ દ્વારા વડાપ્રધાને મત્સ્યઉદ્યોગ અને પશુપાલન ક્ષેત્ર માટે ઘણી વધુ યોજનાઓ શરૂ કરી. આ યોજનાની શરૂઆત બિહારથી થઇ છે. બિહારમાં ઓક્ટોબર-નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
આ સાથે મોદીએ મોબાઈલ એપ ઇ-ગોપાલા પણ લોન્ચ કરી. આ એપ કિશાનોના પશુધન માટે ઇ-માર્કેટપ્લેસ ઉપલબ્ધ કરાવશે. વડાપ્રધાને પૂર્ણિયામાં અત્યાધુનિક સુવિધા વાળા વીર્ય કેન્દ્રનું પણ ઉદઘાટન કર્યું હતું. આના પર 84.27 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર માટે બિહાર સરકારે 75 એકર જમીન ઉપલબ્ધ કરાવી છે. તેના ઉદ્ઘાટન બાદ વડાપ્રધાને ખેડૂતો સાથે વાતચીત કરી. આ વાતચીત મુખ્યત્વે પશુધન અને મત્સ્યઉદ્યોગ ક્ષેત્રો પર કેન્દ્રિત હતી.
પીએમએમએસવાય એ મત્સ્યઉદ્યોગ ક્ષેત્ર પર કેન્દ્રિત અને સતત વિકાસ યોજના છે. આત્મનિર્ભર ભારત પેકેજ અંતર્ગત નાણાકીય વર્ષ 2020-2021 થી 2024-2025 દરમિયાનના સમયગાળા દરમિયાન તમામ રાજ્યોમાં તેનો અમલ થવાનો છે. વડાપ્રધાન કાર્યાલયએ કહ્યું કે પીએમએમએસવાય હેઠળ 20,050 કરોડનું રોકાણ એ મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં સૌથી વધુ રોકાણ છે.
આમાંથી દરિયાઇ, અંતરિયાળ માછીમારી અને જળચરઉદ્યોગમાં લાભાર્થી કેન્દ્રિત પ્રવૃત્તિઓ અને મત્સ્યોદ્યોગના માળખાગત સુવિધા માટે રૂ. 7,710 કરોડના રોકાણ માટે આશરે 12,340 કરોડ રૂપિયાનું રોકાણ સૂચવવામાં આવ્યું છે. 2024-25 સુધીમાં માછલીના ઉત્પાદનમાં વધારાના 70 લાખ ટનનો વધારો અને 2024-25 સુધીમાં માછલીની નિકાસમાંથી 1,00,000 કરોડની આવક વધારવાનો આ યોજનાનો હેતુ છે.
(દેવાંશી)