- આતંકીઓને નાણાં ભંડોળ પૂરી પાડતી NGO સામે NIAની લાલ આંખ
- આતંકીઓના નાણાં આપતી NGOના 10 ઠેકાણે NIAના દરોડા
- જમ્મૂ કાશ્મીરની કેટલીક એનજીઓ દેશ વિદેશથી ફંડ મેળવીને આતંકીઓને પહોંચાડતી હતી
નવી દિલ્હી: આતંકીઓની નાણાંનું ભંડોળ પૂરી પાડતી કેટલીક NGOના કાળાં કરતૂતો પકડવા માટે NIA દ્વારા જમ્મૂ કાશ્મીરમાં 10 ઠેકાણે અને બેંગાલુરુમાં 1 સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, ટેરર ફંડિગના મામલે અગાઉથી મળેલી બાતમીના આધારે NIAએ શ્રીનગરમાં 9 સ્થળે અને બાંદીપોરામાં 1 સ્થળે દરોડા પાડ્યા હતા. દક્ષિણ ભારતમાં કર્ણાટકના બેંગાલુરુમાં પણ એક સ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો. જમ્મૂ કાશ્મીરની કેટલીક એનજીઓ દેશ વિદેશથી ફંડ મેળવીને આતંકીઓને પહોંચાડતી હતી. એવી એનજીઓના ઠેકાણાં પર NIA ત્રાટકી હતી.
NIA દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે એક પ્રતિષ્ઠિત NGO ધર્મ અને સામાજીક કાર્યોના નામે દેશ વિદેશમાંથી નાણાં મેળવતી હતી અને એ નાણાં આતંકીઓ અને વિભાજનવાદીઓને પૂરા પાડવામાં આવતા હતા.
નેશનલ ઇન્વેસ્ટિંગ એજન્સી આવી આઠેક એનજીઓના દસ્તાવેજો તપાસી રહી હતી. અલગ અલગ નામથી અને અલગ અલગ ઉદ્દેશો દાખવીને દેશ વિદેશથી નાણાં મેળવવામાં આવતા હતા. આ નાણાં હવાલા ચેનલ દ્વારા ભારતમાં આવતા હતા.
NIAના સૂત્રનુસાર આ એનજીઓ જોખમી રીતે બહારથી નાણાં મેળવીને કશ્મીર ખીણ વિસ્તારમાં આતંકવાદીઓને તેમજ આતંકવાદ બનવા માગતા યુવાનોને ચૂકવતી હતી. 26/11ના આતંકવાદી હુમલાના સૂત્રધાર હાફિઝ સૈયદની આતંકવાદી સંસ્થા ફલહ એ ઇન્સાનિયત તરફથી મળેલા બેફામ નાણાં દ્વારા કેટલાક લોકોએ ઘણાં ભારતીય શહેરોમાં પોશ એરિયામાં પ્રોપર્ટીઓ ખરીદી હતી.
(સંકેત)