દેશમાં 6 ટકા વધુ થયો વરસાદ, ગુજરાતમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી
- દેશભરમાં કોરોનાના કહેર વચ્ચે સારા વરસાદનું અનુમાન
- દેશમાં અત્યારસુધી સામાન્યથી 6 ટકા વરસાદ વરસ્યો
- ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી
દેશભરમાં એક તરફ કોરોનાનો કહેર યથાવત્ છે ત્યારે બીજી તરફ વરસાદને લઇને રાહતના સમાચાર મળી રહ્યા છે. દેશમાં અત્યારસુધી સામાન્યથી 6 ટકા સુધી વરસાદ વરસી ગયો છે. જો કે ઉત્તર ભારતમાં 19 ટકા વરસાદની ઘટ છે. આગામી 2 મહિના સુધી વરસાદ વરસતો રહેશે એટલે કે વરસાદનું જોર દેશમાં યથાવત્ રહેશે.
હવામાન વિભાગ મુજબ ઉત્તર-પશ્વિમ ભારતમાં 107 ટકા વરસાદની શક્યતા છે. તેમાં જમ્મૂ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશ આવે છે. જ્યારે દક્ષિણ વિસ્તારમાં સામાન્યથી 17 ટકા વધુ વરસાદ વરસ્યો છે. આ ડિવિઝનમાં તામિલનાડુ, પુડુચેરી, કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ અને તેલંગાણાનો સમાવેશ થાય છે. જ્યારે ઉત્તર-પશ્વિમી વિસ્તારમાં 18 થી 20 જુલાઇ સુધી વરસાદની શક્યતા છે.
મધ્ય ભારતમાં 12 ટકા વધુ વરસાદ વરસ્યો છે. તેમાં ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશાનો સમાવેશ થાય છે. નોર્થ ઇસ્ટમાં 10 ટકા વધુ વરસાદ વરસશે. તેમાં બિહાર, ઝારખંડ, પશ્વિમ બંગાળ અને ઉત્તર-પૂર્વના 7 રાજ્ય સમાવિષ્ટ છે.
બીજી તરફ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. દક્ષિણ રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે.
(સંકેત)