- લૉકડાઉન દરમિયાન સમયસર હપ્તા ચૂકવનાર લોનધારકો માટે આનંદના સમાચાર
- આ લોનધારકોને બેંક ખાતામાં વ્યાજ પર વ્યાજના પ્રમાણમાં કેશબેક મળશે
- હોમ લોન, એજ્યુકેશન લોન, વ્હીકલ લોન જેવી લોન પર મળશે કેશબેક
નવી દિલ્હી: લોકડાઉન દરમિયાન લોન મોરેટોરિયમની સુવિધાનો લાભ લીધા વગર સમયસર દરેક હપ્તાની ચૂકવણી કરનારા લોનધારકો માટે એક ખુશખબર છે. સરકાર દિવાળી પહેલા આ લોનધારકોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરશે. લૉકડાઉનમાં સમયસર લોનના હપ્તા ચૂકવનાર ગ્રાહકોને કેન્દ્ર સરકાર તરફથી આ ઑફર આપવામાં આવી છે.
આ અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે જે લોકોએ સમયસર EMI ચૂકવ્યા છે તેમને વ્યાજ પર વ્યાજના પ્રમાણમાં કેશબેક મળશે. જે લોકો EMI સમયસર ચૂકવવામાં અસમર્થ રહ્યા છે તેમનું વ્યાજ પરનું વ્યાજ સરકાર ચૂકવશે.
આ લોકોને મળશે કેશબેક
લોન લેનાર જે લોનધારકોએ લોન મોરેટોરિયમ સુવિધાનો ફાયદો નથી લીધો અને સમયસર પોતાના લોનના હપ્તા ભર્યા છે તેમને કેશબેક મળશે. આવા લોન ધારકોને 6 મહિનાના સાદું વ્યાજ અને ચક્રવૃદ્વિ વ્યાજ વચ્ચેના તફાવતનો લાભ મળશે.
કઇ લોન પર મળશે કેશબેક
આ યોજના અંતર્ગત હોમ લોન, એજ્યુકેશન લોન, ક્રેડિટ કાર્ડ પર બાકી રકમ, વ્હીકલ લોન, MSME લોન, કંઝ્યૂમર ડ્યૂરેબલ લોન ધારકોને આ લાભ મળશે.
આપને જણાવી દઇએ કે કોરોના મહામારી દરમિયાન RBIએ પોતાના ગ્રાહકોને 6 મહિના સુધી લોનનો હપ્તો નહીં ભરવાની સુવિધા આપી હતી. મહામારી દરમિયાન જે લોકો EMI ભરવા અસમર્થ રહ્યા હતા તેમણે આ લોન મોરેટોરિયમ સુવિધાનો લાભ લીધો હતો.
(સંકેત)