દિલ્હીવાસીઓને રાશન લેવા માટે હવે દુકાને નહીં જવું પડે, કેજરીવાલે ‘ઘર-ઘર રાશન યોજના’ને મંજૂરી આપી
- દિલ્હીવાસીઓએ હવે રાશન લેવા માટે દુકાન નહીં જવું પડે
- CM કેજરીવાલે મુખ્યમંત્રી ઘર-ઘર રાશન યોજનાને મંજૂરી આપી
- ચોખા-ખાંડ જેવી વસ્તુઓ પેકિંગ કરીને ઘરે પહોંચાડાશે
દિલ્હીવાસીઓ માટે એક સારા સમાચાર છે. તેઓએ હવે રાશન લેવા માટે દુકાને નહીં જવું પડે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં ‘ડોર સ્ટેપ ડિલીવરી ઑફ રાશન’ની યોજનાને લીલી ઝંડી આપી છે. આ યોજનાનું નામ ‘મુખ્યમંત્રી ઘર-ઘર રાશન યોજના’ છે.
आज कैबिनेट ने “मुख्यमंत्री घर घर राशन योजना” पारित की। इसके लागू होने पर लोगों के घर राशन भिजवाया जाएगा, उन्हें राशन की दुकान पर नहीं आना पड़ेगा। ये बहुत ही क्रांतिकारी कदम है। वर्षों से हमारा सपना था कि गरीब को इज़्ज़त से राशन मिले, आज वो सपना पूरा हुआ। https://t.co/urxJR5Y3IF
— Arvind Kejriwal (@ArvindKejriwal) July 21, 2020
મુખ્યમંત્રી કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરતા કહ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં અમે રાશનની વ્યવસ્થામાં ઘણો બધો સુધારો કર્યો છે. જ્યારથી દેશમાં રાશન વહેંચણી શરૂ થઇ છે ત્યારથી ગરીબ લોકોને ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. ક્યારેક દુકાન બંધ હોય, ક્યારેક વસ્તુઓમાં ભેળસેળ હોય તો ક્યારેક પૈસા વધારે લેવામાં આવે.
‘ઘર-ઘર રાશન’ યોજના અંતર્ગત લોકોને રાશનની દુકાન પર ગયા વગર તેમના ઘર સુધી રાશન પહોંચાડવામાં આવશે. FCIના ગોડાઉનમાંથી ઘઉં લેવામાં આવશે અને તેમાંથી જ લોટ બનાવવામાં આવશે. ચોખા તેમજ ખાંડ જેવી વસ્તુઓ પેકિંગમાં જ અપાશે અને તેને ઘર ઘર સુધી પહોંચાડાશે.
મહત્વનું છે કે, દિલ્હીના લોકોને બે વિકલ્પ અપાશે. તેઓ દુકાન પર જઇને પણ રાશન લેવા ઇચ્છતા હશે તો લઇ શકશે. આગામી 6 મહિનામાં હોમ ડિલીવરી રાશન સેવાની શરૂઆત થઇ જશે. જે દિવસે દિલ્હીમાં રાશનની હોમ ડિલીવરી શરૂ થશે તે જ દિવસથી દિલ્હીમાં કેન્દ્ર સરકારની વન નેશન વન રાશન યોજના પણ લાગુ કરી દેવાશે.
(સંકેત)