- ભારતમાં કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિને લઇને સારા સમાચાર
- ભારતમાં ગત ત્રણ સપ્તાહથી કોરોનાનો ગ્રાફ સ્થિર રહ્યો છે
- ગત 7 દિવસમાં નોંધાયેલા કેસ ગત 2 સપ્તાહ દરમિયાન નોંધાયેલા કેસ જેટલા જ છે
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિને લઇને સારા સમાચાર છે. ભારતમાં ગત ત્રણ સપ્તાહથી કોરોનાનો ગ્રાફ સ્થિર રહ્યો છે. ગત 7 દિવસમાં નોંધાયેલા કેસ ગત 2 સપ્તાહ દરમિયાન નોંધાયેલા કેસ જેટલા જ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગત સપ્તાહ કરતાં આ વખતે કોરોનાથી થયેલા મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાયો છે. એટલે કે અગાઉના સપ્તાહ અને પાછલા સપ્તાહ દરમિયાનના આંકડામાં ફેરફાર છે.
પાછલા અઠવાડિયા (22થી 29 નવેમ્બર) દરમિયાન 2,91,903 નવા કેસ નોંધાયા છે, જ્યારે આ પહેલાના અઠવાડિયે (8થી 15 નવેમ્બર) દરમિયાન 2,92,549 કેસ નોંધાયા હતા, જ્યારે 15થી 22 નવેમ્બર દરમિયાન 2,92,474 કેસ નોંધાયા હતા, અને મહિનાની શરુઆતના અઠવાડિયા વખતે એટલે કે 1થી 8 નવેમ્બર વખતે 3,24,474 કેસ નોંધાયા હતા.
પાછલા 7 દિવસની વાત કરીએ તો દેશમાં કોરોનાને કારણે 3388 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ પહેલાના સપ્તાહે 3641ના મૃત્યુ નોંધાયા હતા અને તેના પહેલાના સપ્તાહે આ આંકડો 4076 હતો.
રવિવારે દેશમાં કોરોનાના કેસનો આંકડો 40,000ની નીચો ગયો હતો. જ્યાં કોરોના ઈન્ફેક્શનના 39,192 કેસ નોંધાયા છે, અમારા સહયોગી TOI દ્વારા રાજ્ય સરકારો દ્વારા મેળવવામાં આવતા આંકડામાં જોવા મળ્યું કે શુક્રવારથી કોરોના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો હતો.
પાછલા ત્રણ દિવસમાં કોરોના વાયરસથી થનારા મૃત્યુઆંકમાં પણ ઘટાડો નોંધાયો છે જેમાં ગઈકાલે 445, શનિવારે 490 અને શુક્રવારે 481 લોકોએ દેશમાં કોરોનાના કારણે જીવ ગુમાવ્યો હતો.
ભારતમાં નવા કેસના આંકડામાં ઘટાડો નોંધાવાની સાથે એક્ટિવ કેસના આંકડામાં પણ ઘટાડો થઈ રહ્યો છે, હવે દેશમાં 4.5 લાખ એક્ટિવ કેસ છે, અને બે દિવસથી તેમાં ઘટાડો નોંધાયો છે. આ પહેલા 21 નવેમ્બરથી એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો હતો.
(સંકેત)