- ભારતમાં ફરજીયાત દેશવ્યાપી લોકડાઉનને કારણે ચાના ઉત્પાદનમાં ઘટાડો નોંધાશે
- ચાના ઉત્પાદનમાં જંગી ઘટાડાને પગલે ચાના ભાવ વધવાની પૂરી શક્યતા
- સપ્ટેમ્બરમાં ચાનું ઉત્પાદન 1879 લાખ કિલોગ્રામ થયું છે
નવી દિલ્હી: સપ્ટેમ્બરમાં ચાના ઉત્પાદનમાં નજીવી વૃદ્વિ છત્તાં એ સ્પષ્ટ છે કે ભારતમાં ફરજીયાત દેશવ્યાપી લોકડાઉન લાગૂ થવાના કારણે ચાલુ વર્ષે ચાના ઉત્પાદનમાં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાશે. ઉત્પાદનમાં જંગી ઘટાડાને કારણે ચાના ભાવ વધવાની પુરેપુરી શક્યતા છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર ટી બોર્ડે સપ્ટેમ્બર માસના ડેટા જાહેર કર્યા છે, જે દર્શાવે છે કે સપ્ટેમ્બરમાં ચાનું ઉત્પાદન 21.0 લાખ કિલો વધીને 1879 લાખ કિલો થઇ ગયું છે, જ્યારે સપ્ટેમ્બર 2019 દરમિયાન 1858 લાખ કિલોગ્રામ ચાનું ઉત્પાદન થયું હતું.
પહેલાના મહિનામાં ઓછા ઉત્પાદનને ધ્યાનમાં રાખીને, સપ્ટેમ્બરના અંતમાં પ્રથમ ત્રણ ક્વાર્ટરમાં ભારતનું સંચિત ઉત્પાદન જાન્યુઆરી-સપ્ટેમ્બર 2019ના 10072.2 લાખ કિગ્રાથી ઘટીને આ વખતે 8569 લાખ કિગ્રા થઈ ગયું છે. આનાથી 1503.2 લાખ કિલો અથવા એક ટકાની જંગી ઘટ સર્જાઇ છે. ઉત્પાદન સરેરાશ કરતા ઓછો હોવાથી ઓક્ટોબર-ડિસેમ્બરની શિયાળાની સિઝનમાં મુશ્કેલ સર્જાઇ શકે છે.
ઉત્તર ભારતમાં ચાના ઉત્પાદન પર નજર કરીએ તો જાન્યુઆરી-સપ્ટેમ્બર 2019 દરમિયાન 8533.5 લાખ કિલોની સામે આ વખતે 6973 લાખ કિલો ચાનું ઉત્પાદન થયું હતું, ત્યાં ચાના ઉત્પાદનમાં 1560.5 લાખ કિલોગ્રામ અથવા 18.29 ટકાનું જંગી નુકસાન થયું છે.
બીજી તરફ, દક્ષિણ ભારતમાં પણ ચાના ઉત્પાદનના આંકડા સામે આવ્યા છે. તે અનુસાર જાન્યુઆરી-સપ્ટેમ્બર 2019ના સમયગાળામાં 1538.7 લાખ કિલોગ્રામ સામે ચાલુ વર્ષે 57.3 લાખ કિલો (3.27 ટકા) વધીને 1596 લાખ ટન ઉત્પાદન નોંધાયું છે.
(સંકેત)