India-China Standoff : ચીને મિસાઇલ્સ તૈનાત કરી તો ભારતે પણ રક્ષણ માટે હથિયારોની કરી તૈનાતી
- ભારત-ચીન વચ્ચે લદ્દાખમાં તણાવ હવે ચરમસીમાએ
- ચીની સેના હવે મોટાપાયે ઘાતક હથિયારો કરી રહ્યું છે તૈનાત
- ભારતીય સેના પણ સજ્જ, મિસાઇલો કરી તૈનાત
ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં તણાવ ધીરે ધીરે ચરમસીમાએ પહોંચી રહ્યો છે અને ચીન તેના બદઇરાદાઓ સતત દોહરાવી રહ્યું છે. ભારત સાથેની મંત્રણામાં ચીન કંઇક બીજુ કહે છે અને બીજી તરફ ચીની સેનાએ મોટાપાયે ઘાતક હથિયારો તૈનાત કરવા માંડ્યા છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, ચીની સેનાએ લદ્દાખને અડીને આવેલા અક્સાઇ ચીન વિસ્તારમાં હવે મધ્યમ અંતરની મિસાઇલો તૈનાત કરવા માંડી છે. આ મિસાઇલોની રેન્જ એટલી વધારે છે કે, ભારત આખુ તેના નિશાના પર આવી શકે છે. બીજી તરફ ભારતીય સેનાએ પણ હવે ઘાતક હથિયારો તૈનાત કરવા માંડ્યા છે.
ભારતે ચીનને ડરાવવા માટે મોટી સંખ્યામાં તૈનાત કરેલી મિસાઇલોની જાણકારી સેટેલાઇટ તસવીરો થકો મળી છે. મિસાઇલોની સાથે તોપો અને લાંબા અંતર સુધી પ્રહાર કરી શકે તેવા રોકેટ લોન્ચરો પણ ગોઠવ્યા છે. આ વિસ્તારના તમામ એરબેઝને આ હથિયારોથી સજ્જ કરવામાં આવ્યા છે. મિસાઇલને છુપાવવા માટે જમીનની અંદર બંકર બનાવવાનું કામ ચાલું છે. જેથી તે દુશ્મનના સેટેલાઇટની પકડમાં નહીં આવે અને કોઇપણ હુમલામાં નષ્ટ નહીં થાય.
જો ભારત અને ચીન વચ્ચે મંત્રણાથી કોઇપણ પ્રકારનું સમાધાન થાય તો પણ અક્સાઇ ચીનમાં ગોઠવાયેલી ચાઇનીઝ મિસાઇલો દૂર કરવામાં સમય લાગશે તેવું જાણકારોનું કહેવું છે. ચીન ભારત વિરુદ્વ નવા નવા પેંતરા રચીને ભારતને ઉકસાવવા માટે પ્રયાસો કરી રહ્યું છે અને ભારતીય સેના પણ ચીન વિરુદ્વ દરેક રીતે લડી લેવા માટે મક્કમ અને દરેક પળે સજ્જ છે.
(સંકેત)