- કોરોનાના સંકટકાળ વચ્ચે તહેવારોની સિઝન થશે ચાલુ
- કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તહેવારોની સિઝનમાં સાવધાની માટે ગાઇડલાઇન કરી જાહેર
- કન્ટેન્ટમેન્ટ ઝોનમાં કોઇપણ પ્રકારના કાર્યક્રમોનું આયોજન નહીં કરી શકાય
નવી દિલ્હી: કોરોનાની મહામારી વચ્ચે હવે તહેવારોની સિઝન ચાલુ થઇ રહી છે ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોરોનાના સંકટકાળને ધ્યાનમાં રાખીને તહેવારોની સિઝનમાં સાવધાની રાખવા માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. નવી ગાઇડલાઇનમાં નવરાત્રી, દિવાળી જેવા તહેવારોમાં કઇ પ્રકારની સાવધાની રાખવી તે અંગે જાણકારી પૂરી પાડવામાં આવી છે.
નવી ગાઇડલાઇન્સ અનુસાર કન્ટેન્ટમેન્ટ ઝોનની અંદર કોઇપણ પ્રકારના તહેવારોના કાર્યક્રમોનું આયોજન નહીં કરી શકાય. તે ઉપરાંત પૂજા, રેલીઓ, પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમોને લઇને પણ વિશેષ નિર્દેશ આપવામાં આવ્યા છે.
નવરાત્રી શરૂ થવા જઇ રહી છે ત્યારે દેશભરમાં પંડાલ લગાવવામાં આવે છે. આ સિવાય કેટલીક જગ્યાએ મેળા અને કાર્યક્રમો આયોજીત કરાય છે. ધાર્મિક કાર્યક્રમો માટે પૂરી પ્લાનિંગ કરવી પડશે. ભીડભાડ અને સામાજીક અંતરનું ધ્યાન રાખવું પડશે.
સામાજીક અંતર જળવાઇ રહે તે માટે જમીન પર નિશાન લગાવવા પડશે, જેથી લોકો વચ્ચે 6 ફૂટનું અંતર જળવાઇ રહે. કાર્યક્રમના વ્યવસ્થાપકોએ સેનેટાઇઝર અને થર્મલ ગન પર્યાપ્ત માત્રામાં રાખવી પડશે. તે ઉપરાંત કાર્યક્રમના સ્થળે CCTV કેમેરા ફરજીયાતપણે રાખવા પડશે, જેથી સામાજીક અંતરના નિયમનું પાલન કરાવી શકાય.
પૂજા કરવા માટે કેટલાક નિયમો નિર્ધારિત કરવામાં આવ્યા છે. ધાર્મિક સંસ્થાનો, પંડાલોમાં મૂર્તિને સ્પર્શ કરવાની મનાઇ રહેશે. કોરોના સંક્રમણને જોતા સામુહિક ધાર્મિક ગાવા-વગાડવાના ધાર્મિક કાર્યક્રમોની મનાઇ હશે. આ જગ્યા પર રેકોર્ડેડ ધાર્મિક સંગીત વગાડી શકાશે. કમ્યુનિટી કિચન, લંગરોમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું પડશે.
ધાર્મિક કાર્યક્રમો દરમિયાન સામાજીક અંતર અને માસ્ક ફરજીયાત રહેશે. આ સિવાય ધાર્મિક રેલીઓમાં રૂટ પ્લાનિંગ પણ પહેલાથી કરવામાં આવશે. મૂર્તિ વિસર્જનની જગ્યાઓ પણ પૂર્વ નિર્ધારિત રહેશે. આ દરમિયાન લોકોની હાજરી ઓછી સંખ્યામાં રાખવામાં આવશે.
(સંકેત)