– કોરોના વાયરસની મહામારીને કારણે દેશના અનેક સેક્ટરમાં આર્થિક મુશ્કેલી
– દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે અર્થતંત્રને વેગ આપવા કર્યા સૂચનો
– કોરોના વાયરસની મહામારીથી અર્થતંત્ર પર મંદીનો માહોલ
કોરોના વાયરસની મહામારીને કારણે દેશનું અર્થતંત્ર સંકટમાં મુકાયું છે. કોરોના વાયરસની મહામારી શરૂ થતા જ દેશના અનેક સેક્ટરોમાં પણ લોકડાઉન લાગુ થવાથી મોટા ભાગની ઉત્પાદનની ગતિવિધિઓ પણ સ્થગિત કરવામાં આવતા આ સેક્ટરોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને ઓટો સેક્ટર, ટેલીકોમ તેમજ એનબીએફસીમાં વધારે મુશ્કેલી પડી રહી હતી. અનેક લોકો રોજગારી પણ ગુમાવી ચૂક્યા છે. દેશમાં મંદીનો માહોલ પ્રવર્તિત છે. સરકાર દ્વારા આર્થિક પેેકેજ પણ જાહેર કરવામાં આવ્યું છે. જો કે પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહે અર્થતંત્રને વેગ આપવા માટે મોદી સરકારને કેટલાક સૂચન કર્યા છે.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કેન્દ્ર સરકારને કરેલા સૂચનો
– સરકારે સૌ પ્રથમ લોકોની આજીવિકા સુરક્ષિત રહે અને તેમને પ્રત્યક્ષ રીતે આર્થિક મદદ મળી રહે તે માટે પગલાં લેવા જોઇએ. જેથી કરીને તેઓના ખર્ચને પહોંચી વળાય.
– તે ઉપરાંત સરકારે સરકારી ક્રેડિટ ગેરેંટીના કાર્યક્રમોની મદદથી વેપાર અને ઉદ્યોગને પૂરતી રકમ આપવી જોઇએ.
– નાણાંકીય સેક્ટરમાં સંસ્થાગત સ્વાયત્તતા અને પ્રક્રિયાઓની મદદથી સુધારો લાવવાનો રહેશે. મનમોહન સિંહે કહ્યું કે તેઓ આને ઈકોનોમિક ડિપ્રેશન નહીં ગણાવે. પરંતુ દેશમાં એક લાંબા સમયથી એક આર્થિક સંકટ આવવાનું પહેલાંથી જ નક્કી હતું.
નોંધનીય છે કે, કોરોનાને કારણે સ્થાનિક અર્થતંત્ર પર વિપરીત અસર પડી છે. ગત આરબીઆઇની મોનેટરી પોલિસી કમિટીની બેઠક યોજાઇ હતી. બેઠક દરમિયાન આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે પણ જણાવ્યું હતું કે કોરોના વાયરસની મહામારી વધુ ચાલવાથી સ્થાનિક અર્થતંત્રની સ્થિતિ આગામી સમયમાં વધુ ખરાબ થઇ શકે છે. તે ઉપરાંત ચોમાસું સામાન્ય રહેશે તો વૈશ્વિક નાણાંકીય બજારમાં ખરાબ પ્રભાવના સંકેત મળી રહ્યા છે. તેથી આ પરિસ્થિતિમાં સરકાર દ્વારા વધુ પગલાં લેવાય તે આવશ્યક છે.
(સંકેત)