ટૂંક સમયમાં ભારતમાં મળશે કોરોનાની સૌથી સસ્તી દવા ફૈવીટૉન, કિંમત છે માત્ર 59 રૂપિયા
- ભારતમાં કોરોનાની સારવાર માટે સસ્તી દવા ફૈવીટૉનને DCGIની મંજૂરી
- આ દવાની એક ટેબ્લેટ માત્ર 59 રૂપિયામાં ઉપલબ્ધ થશે
- આ એન્ટીવાયરલ ડ્રગ કોરોના સંક્રમિત દર્દીઓને કોરોના સામે લડવા મદદ કરશે
કોરોના વાયરસએ સમગ્ર વિશ્વનો ભરડો લીધો છે ત્યારે તેની વેક્સીન શોધવા પર કામ ચાલી રહ્યું છે. જો કે આ બીમારીની સારવાર માટેની સૌથી સસ્તી દવા બની ચૂકી છે. બ્રિન્ટન ફાર્માસ્યુટિકલ્સ નિર્મિત ફૈવીટૉનને બજારમાં લાવવાની મંજૂરી પણ મળી ચૂકી છે. આ દવાને બજારમાં લાવવા માટે ડ્રગ્સ કન્ટ્રોલર ઑફ ઇન્ડિયા પાસેથી મંજૂરી મળી ચૂકી છે.
બ્રિન્ટન ફાર્માસ્યુટિકલ્સ દ્વારા નિર્મિત આ દવાની એક ટેબ્લેટ માત્ર 59 રૂપિયામાં મળશે. આ એક એન્ટીવાયરલ ડ્રગ છે જે કોરોના વાયરસ સામે લડવામાં કોરોના દર્દીઓને મદદ કરશે. આ દાવો કંપનીએ કર્યો છે. આ દવાને ફેવીપિરાવીર (Favipiravir) નામથી પણ બજારમાં વેચવામાં આવે છે.
ફૈવીટૉન 200 મિલિગ્રામની ટેબ્લેટમાં આવશે. આ ટેબ્લેટનો ભાવ 59 રૂપિયા હશે. આ કિંમત મેક્સિમમ રિટેલ પ્રાઇઝ છે. તેનાથી વધુ ભાવે આ દવા વેચી નહીં શકાય.
આ દવા અંગે વાત કરતા બ્રિન્ટન ફાર્મા.ના સીએમડી રાહુલ કુમાર દર્ડાએ કહ્યું હતું કે આ દવા દેશના દરેક કોરોના સંક્રમિત દર્દીને પ્રાપ્ત થાય તેવું અમે ઇચ્છીએ છીએ. અમે તેને દરેક કોવિડ સેન્ટર પર પહોંચાડીશું. અમારી દવાની કિંમત પણ નિર્ધારિત છે. આ દવા એ દર્દીઓ માટે સારી છે જેમને કોરોનાનું હળવું કે મધ્યમ દરજ્જાનું સંક્રમણ છે.
નોંધનીય છે કે કોરોના વાયરસની ઇમરજન્સી સ્થિતિને જોતા DCGIએ આ દવાને બજારમાં લાવવા માટે મંજૂરી આપી હતી. જૂન મહિનામાં આ દવાને મંજૂરી અપાઇ હતી.
(સંકેત)