- આજે બિહાર વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે
- અંતિમ તબક્કામાં બિહારની 78 વિધાનસભા બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે
- આ માટે બિહારમાં 33,782 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે
પટના: આજે બિહાર વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટેનું મતદાન ચાલી રહ્યું છે. આજે એટલે કે શનિવાર મતદાન માટેની દરેક તૈયારીઓ પૂર્ણ કરાઇ હતી. અંતિમ અને ત્રીજા તબક્કા માટે બિહારની 78 વિધાનસભા બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે. આ માટે બિહારમાં 33,782 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. અહીં EVM અને VVPAT મારફતે મતદાન ચાલી રહ્યું છે.
આપને જણાવી દઇએ કે બિહાર અંતિમ તબક્કાના મતદાન સાથે એકમાત્ર વાલ્મીકિ નગર લોકસભા બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન યોજાશે. અંતિમ તબક્કાનું મતદાન બિહારમાં મિથિલા અને સીમાંચલ વિસ્તારોમાં યોજાઇ રહ્યું છે. આથી અહીંયા બ્રાહ્મણ અને મુસ્લિમ વોરર્સ નિર્ણાયક સાબિત થશે. બિહારના અંતિમ તબક્કાના મતદાનમાં વિધાનસભા અધ્યક્ષ ઉપરાંત 11 મંત્રી પણ મેદાનમાં છે જેમના ભાવિનો ફેંસલો ઇવીએમમાં સીલ થઇ જશે.
બિહારની 78 બેઠક માટે આ વખતે 1207 ઉમેદવાર મેદાનમાં
આ તબક્કામાં 11 મંત્રી મેદાનમાં છે. જેમાં સુપૌલથી વિજેન્દ્ર પ્રસાદ યાદવ, મહેશ્વરી હજારી, વિનોદ નારાયણ ઝા, ખુર્શીદ અહમદ, પ્રમોદ કુમાર, લક્ષ્મેશ્વર રાય, બીમા ભારતી, કૃષ્ણ કુમાર ઋષિ, નરેન્દ્ર નારાયણ યાદવ, રમેશ ઋષિદેવ, સુરેશ શર્મા સામેલ છે. બિહારની 78 બેઠક માટે આ વખતે 1207 ઉમેદવાર મેદાનમાં છે.
બિહારમાં અંતિમ તબક્કાનું મતદાન જે જિલ્લામાં આજે યોજાયું છે તેમાં પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, સીતામઢી, મધુબની, સુપૌલ, અરરિયા, કિશનગંજ, પૂર્ણિયા, કટિહાર, મધેપુરા, સહરસા, દરભંગા, મુઝફ્ફરપુર, વૈશાલી અને સમસ્તીપુર સામેલ છે. અંતિમ તબક્કાના મતદાનમાં મોટાભાગની બેઠક પૂર્વાંચલ અંતર્ગત આવે છે.
નોંધનીય છે કે બિહારના મુખ્યમંત્રી અને જેડીયૂના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિશ કુમારે ધમદાહામાં અંતિમ તબક્કાના ચૂંટણી પ્રચાર દરમિયાન એક રેલીમાં રાજનીતિમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, વર્ષ 2020ની ચૂંટણી તેમના માટે અંતિમ ચૂંટણી હશે.
(સંકેત)