- એટ્રોસિટીને લઇને સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
- SC/STનું દરેક પ્રકારનું અપમાન એટ્રોસિટી હેઠળ ગુનો ના ગણી શકાય
- જો કે SC/ST વ્યક્તિનું ઇરાદાપૂર્વકનું અપમાન ચોક્કસ ગુનો બને છે
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે એક મહત્વના ચુકાદામાં જણાવ્યું છે કે દલિત કે આદિવાસી સમુદાયના વ્યક્તિનું દરેક પ્રકારનું અપમાન એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો બને છે તેમ ના કહી શકાય. કોર્ટે ગુરુવારે આપેલા એક ચુકાદામાં જણાવ્યું છે કે જો SC/ST વ્યક્તિનું ઇરાદાપૂર્વક તેની જાતિના આધારે અપમાન કરાયું હોય તો તે ચોક્કસ ગુનો બને છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, જસ્ટિસ એલ.નાગેશ્વર રાવની અધ્યક્ષતા હેઠળની ત્રણ જજોની ખંડપીઠે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, દલિત કે આદિવાસી વ્યક્તિનું અપમાન જો ઇરાદાપૂર્વક ના કરવામાં આવ્યું હોય તો એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો ના ગણી શકાય.
કોર્ટે વધુમાં ઉમેર્યું હતું કે અપમાન કે ત્રાસ વ્યક્તિની જાતિના આધારે કરાયું હોય તો જ તે ગુનો ગણાય. ફરિયાદી દલિત કે આદિવાસી છે માત્ર તેટલાથી જ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી શકાય નહીં.
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે એટ્રોસિટી એક્ટનો હેતુ આદિવાસી કે દલિક સમુદાયના વ્યક્તિનું અપમાન, સતામણી કે તેને ત્રાસ આપનારાને સજા કરવાનો છે. કોઇ ચોક્કસ સમુદાયના વ્યક્તિને ઉચ્ચ વર્ગ દ્વારા તેની જાતિના કારણે કરાતા અપમાનથી બચાવવા આ કાયદો છે.
હિતેશ વર્મા નામના એક અરજકર્તા દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર સુનાવણી કરતા કોર્ટે આ જજમેન્ટ આપ્યું હતું. અરજકર્તા પર દલિત મહિલાના ઘરમાં ઘૂસી તેને ગાળો બોલવાનો આરોપ હતો. કોર્ટે નોંધ્યું હતું કે અરજકર્તા સામેના આરોપ એટ્રોસિટી એક્ટના પાયાના હેતુને સુસંગત નથી.
મહત્વનું છે કે, કોર્ટે જણાવ્યું હતું કે આ ઘટના ઘરની ચાર દિવાલોમાં માત્ર બે વ્યક્તિ વચ્ચે બની છે, તેને જોનારું કે સાંભળનારું કોઇ હોય નહીં ત્યારે અરજકર્તા સામે મૂકાયેલા આરોપ ટકવાને પાત્ર નથી.
(સંકેત)