- પાકિસ્તાને સીઝફાયરથી કરેલી અવળચંડાઇનો ભારતે આપ્યો જડબાતોડ જવાબ
- ભારતીય સેનાએ પાકિસ્તાનના 20 સૈનિકોને ઠાર માર્યા
- ભારતના ગોળીબારમાં પાકિસ્તાની સેનાના બંકર, ફ્યુલ ડેપો અને લોન્ચ પેડ નષ્ટ
શ્રીનગર: આતંકીઓને શરણ આપતું પાકિસ્તાન સતત તેની અવળચંડાઇ દોહરાવી રહ્યું છે. દિવાળી જેવા તહેવારોના દિવસોમાં પણ પાકિસ્તાનને પોતાની અવળચંડાઇ ચાલુ રાખતા સીમા ઉપર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાને LOCને અડીને આવેલા ત્રણ સેક્ટરોમાં પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું અને ગોળીબાર કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના 20 સૈનિકોને ઠાર માર્યા હતા.
પાકિસ્તાને કરેલા ગોળીબારમાં ભારતીય સેનાના ત્રણ જવાનો શહીદ થયા હતા. આ ઉપરાંત પાકિસ્તાનના અંધાધૂંધ ગોળીબારમાં ત્રણ સામાન્ય નાગરિકોનો પણ જીવ ગયા છે. બાંદીપોરા જીલ્લાના ગુરેજ સેક્ટરમાં, કુપવાડા જીલ્લાના કેરન સેક્ટરમાં અને બારામુલ્લાના ઉરી સેક્ટરમાં પાકિસ્તાની સેનાએ ગોળીબાર કર્યો છે.
બીજી તરફ ભારતીય સેનાએ પાકિસ્તાનની આ અવળચંડાઇનો જડબાતોડ જવાબ પણ આપ્યો છે. સેનાએ નાગરિકો અને જવાનોની શહાદતનો બદલો લીધો છે. સેનાના સૂત્રો અનુસાર જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના 20 સૈનિકોને ઠાર માર્યા છે. માર્યા ગયેલા આ પાકિસ્તાની જવાનોમાં 2 થી 3 એસએસજી કમાન્ડો પણ સામેલ છે. તે ઉપરાંત પાકિસ્તાનના અનેક સૈનિકો ભારતની જવાબી કાર્યવાહીમાં ઘાયલ થયા છે.
ભારતીય સેનાના ગોળીબારમાં મોટી સંખ્યામાં પાકિસ્તાની સેનાના બંકર, ફ્યુલ ડેપો અને લોન્ચ પેડ નષ્ટ થઇ ગયા છે. ભારતના આ જવાબથી પાકિસ્તાની સેનામાં હડકંપ મચી જવા પામ્યો છે.
(સંકેત)