- કેન્દ્ર સરકારની મનરેગા યોજના મજૂરો માટે બની આર્શીવાદરૂપ
- મનરેગા અંતર્ગત શ્રમિકોની આવક વધીને બમણી થઇ
- મજૂરોની આવક આ વર્ષે વધીને 1000 રૂપિયા થઇ
કેન્દ્ર સરકારની મનરેગા યોજનાથી મજૂરોને ફાયદો થયો છે. કોરોના સંકટ વચ્ચે લોકડાઉન દરમિયાન અને તે પછી ગ્રામીણ વિસ્તારોમાં મજૂરો માટે સૌથી ફાયદાકારક યોજના સાબિત થઇ છે. રેટિંગ એજન્સી ક્રિસિલ રેટિંગ્સ અનુસાર અગાઉના નાણાકીય વર્ષની સરખામણીએ પ્રવર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ 4 મહિનામાં કામદારોનું વેતન વધીને બમણું થયું છે.
રેટિંગ એજન્સીના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ગત નાણાકીય વર્ષ 2019-20માં કામદારોની મહિનામાં સરેરાશ વ્યક્તિદીઠ આશરે 509 રૂપિયા આવક હતી, જ્યારે આ વર્ષે તે વધીને 1000 રૂપિયા થઇ ગઇ છે. હકીકતમાં લોકડાઉન દરમિયાન મનરેગામાં કામકાજના દિવસોમાં વધારો થવાને કારણે આ આંકડા બહાર આવ્યા છે.
ક્રિસિલ રેટિંગ્સ અનુસાર સમગ્ર વર્ષ દરમિયાન એપ્રિલથી જુલાઇની વચ્ચે મનરેગામાં 25 ટકા વધુ દિવસ કામ કરવામાં આવે છે. તેમજ મનરેગામાં વેતન વધારાથી પણ કામદારોને રાહત મળી છે. ભારત સરકારના ગ્રામીણ મંત્રાલયે મનરેગા કામદારોનું વેતન દૈનિક 202 રૂપિયા કરી દીધું છે.
કેન્દ્ર સરકારની મનરેગા યોજના ગ્રામીણ વિસ્તારોમાં કામદારો માટે રોજી રોટી બની છે અને તે આર્શીવાદરૂપ પણ બની છે. કેન્દ્ર સરકારે મનરેગા યોજના અંતર્ગત વધુમાં વધુ મજૂરોને રોજગાર આપવા માટે પ્રયાસો કર્યા છે. લોકડાઉનને કારણે મોટા ભાગના શ્રમિકો શહેરોથી પોતાના ગામ અને વતનમાં પરત ફર્યા હતા. તેઓને જીવન નિર્વાહ માટે મનરેગાનું કામ અપાયું હતું.
મહત્વનું છે કે, કેન્દ્ર સરકારે 2020-21ના બજેટમાં મનરેગા માટે 61,500 કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી. પરંતુ કોરોના સંકટને ધ્યાનમાં રાખીને સરકારે આ યોજના માટે ફરીથી 40 હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે.
(સંકેત)