- ભારત અને ચીન વચ્ચે સરહદનો સતત વધતો વિવાદ
- હવે ચીને લદ્દાખ બાદ અરુણાચલ પ્રદેશમાં હલચલ વધારી
- ભારતીય સેના પણ આ હલચલ સામે પૂરી રીતે અલર્ટ
ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ સતત વધી રહ્યો છે અને બંને દેશો વચ્ચે અનેક મંત્રણા બાદ પણ ચીને પોતાની અવળચંડાઇ ચાલુ રાખી છે. ચીન સતત અતિક્રમણના પ્રયાસો કરી રહ્યું છે. લદ્દાખ બાદ ચીને હવે અરુણાચલ પ્રદેશ પાસે હલચલ વધારી છે. ચીન હવે અરુણાચલ પ્રદેશમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર પોતાના સૈનિકો માટે પોસ્ટ ઊભું કરી રહ્યું છે. ભારતીય સેનાએ ચીની સરહદમાં પીપલ્સ લિબરેશન આર્મીની મૂવમેન્ટ નોટિસ કરી છે. રિપોર્ટ અનુસાર, અરુણાચલ પ્રદેશના અસ્ફિલા, ટૂટિંગ, ચાંગ અને ફિશટેલ-2ની વિપરિત ચીની ક્ષેત્રમાં ચીની ગતિવિધિઓ જોવા મળી છે. ભારતીય સરહદથી આ વિસ્તાર માત્ર 20 કિલોમીટર દૂર છે.
વરિષ્ઠ સૂત્રોનુસાર ચીની સેના ભારતીય ક્ષેત્રમાં ઘૂષણખોરી કરવાની ફિરાકમાં છે. ચીન કોઇ શાંત અને વસ્તી વગરના સ્થળને પોતાના કબજામાં લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચીની સૈનિકો તરફથી ઘૂષણખોરીની આશંકાને જોતાં ભારતીય સેના અલર્ટ પર છે અને અહીંયા સૈનિકોની તૈનાતી પણ વધારી દેવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત થોડા દિવસોથી વાસ્તવિક નિયંત્રણ રેખાથી થોડાક કિલોમીટરના અંતરના વિસ્તારમાં ચીની સેના પોતાના બનાવેલા રોડ પર ગતિવિધિઓ વધારી રહ્યું છે. ચીની સૈનિક પેટ્રોલિંગ દરમિયાન ભારતીય વિસ્તારોની નજીક પણ આવી રહી છે. સમાચાર એજન્સી રોઇટર્સે પણ એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, અરુણાચલમાં LAC પર ચીની સૈનિકોની સક્રિયતાને જોતાં ભારતીય સેનાએ અહીં જવાનોની તૈનાતી વધારી દીધી છે.
મહત્વનું છે કે, વર્ષ 2017 બાદ ડોકલામમાં છેલ્લા 6 મહિનાથી એક પછી એક ભારત અને ચીનની સેનાઓ વચ્ચે તણાવની સ્થિતિ ઊભી થયેલી છે. બંને દેશો વચ્ચે અનેક વાર બેઠકો થઇ છે જો કે તેમ છત્તાં કોઇ ચોક્કસ નિષ્કર્ષ આવ્યો નથી. ચીન સતત અતિક્રમણનો પ્રયાસ કરી રહ્યું છે જેને ભારતીય સેના દરેક વખતે નાકામ કરી રહી છે. લદ્દાખ સરહદ પર સ્થિતિ વધુ સંવેદનશીલ બની રહી છે.
(સંકેત)