કેબિનેટ સંદર્ભે મોદી-અમિત શાહ વચ્ચે 4 કલાક ચાલી બેઠક, પીએમ સાથે 65 પ્રધાનો શપથ ગ્રહણ કરે તેવી શક્યતા
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ વચ્ચે નવી સરકારની રચના મામલે સતત બીજા દિવેસ બેઠક યોજાઈ હતી. આજની બેઠક ચાર કલાક ચાલી છે. આ પહેલા બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. બાદમાં અમિત શાહે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. ભાજપના સૂત્રો પ્રમાણે, 30મી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 65 પ્રધાનો શપથગ્રહણ કરે તેવી શક્યતા છે. જેમાં 40 ટકા નવા ચહેરા સામેલ હશે.
આ પહેલા મંગળવારે પાંચ કલાક ચાલેલી મોદી-શાહની બેઠકમાં અકાલીદળમાંથી હરસિમરત કૌર, એલજેપીમાંથી રામવિલાસ પાસવાન અને યુવા નેતાઓના નામ પર ચર્ચા થઈ છે. લોકસભા ચૂંટણીમાં ભાજપે 542માંથી 303 બેઠકો પ્રાપ્ત કરીને બહુમતી સાથે બીજીવાર સરકાર બનાવી રહ્યું છે.એનડીએને કુલ 352 બેઠકો પ્રાપ્ત થઈ છે.
સૂત્રો મુજબ, નવા પ્રધાનમંડળમાં ઘણાં દિગ્ગજ અને હાલના પ્રધાનોને ફરીથી મોકો નહીં આપીને નવા ચહેરાને મહત્વ આપવામાં આવશે. જો કે એલજેપીમાંથી રામવિલાસ પાસવાન અને ભાજપના કેટલાક વરિષ્ઠ પ્રધાનો યથાવત રહે તેવી સંભાવના છે. સાથીપક્ષોમાંથી શિવસેના અને જેડીયુને બે-બે પ્રધાન પદ ફાળવવામાં આવે તેવી શક્યતા છે. આમા એક કેબિનેટ અને એક રાજ્ય કક્ષાના પ્રધાનનું પદ હોવાની સંભાવના છે.
આ વખતે નવા નાણાં, સંરક્ષણ અને વિદેશ પ્રધાન મળે તેવી શક્યતા છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ મોદી સરકારમાં મોટા મંત્રાલયનો કાર્યભાર સંભાળે તેવી શક્યતા છે. વરિષ્ઠ નેતાઓમાં રાજનાથસિંહ, નીતિન ગડકરી, નિર્મલા સીતારમણ, રવિશંકર પ્રસાદ, પિયૂષ ગોયલ, નરેન્દ્રસિંહ તોમર અને પ્રકાશ જાવડેકરને ફરીથી કેબિનેટમાં સ્થાન મળે તેવી સંભાવના છે. સૂત્રો પ્રમાણે, અરુણ જેટલી પહેલા જ સ્વાસ્થ્યલક્ષી કારણોને કારણે પ્રધાન પદ ગ્રહણ નહીં કરવાની ઈચ્છા પત્ર લખીને જાહેર કરી ચુક્યા છે.
સંસદના સેન્ટ્રલ હોલમાં મોદીએ પોતાના ભાષણમાં સ્પષ્ટ કરી દીધું હતું કે પ્રધાનોના નામ બાબતે અટકળબાજી અર્થહીન છે. નવા કેબિનેટની રચના નિર્ધારીત માપદંડો પર થશે. તેમાં 25 ટકા મહિલાઓ અને 40 ટકા વિશેષજ્ઞો હોવાની સંભાવના છે.
મોદી પ્રધાનમંડળમાં પહેલા જે માપદંડો સામેલ કરતા રહ્યા છે, તેમાં પ્રોફેશનાલિઝમ, મહિલા પ્રતિનિધિત્વ, જાતિગત ગણિત, શહેરી-ગ્રામીણ તાલમેલ, વિશેષજ્ઞતા, એસસી-એસટી પ્રતિનિધિત્વ અને ઘટકદળોની બેઠકો, યુવા તથા વરિષ્ઠતાને મુખ્યત્વે ધ્યાનમાં રાખે છે.