સમાજવાદી પાર્ટીના સંસ્થાપક અને યુપીના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મુલાયમસિંહ યાદવને ખરાબ સ્વાસ્થ્યને કારણે ગાઝિયાબાદની કૌશાંબી ખાતેની યશોદા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ગત કેટલાક દિવસોતી તેમની તબિયત ખરાબ ચાલી રહી છે.
આના પહેલા 10 જૂને મુલાયમસિંહ યાદવને ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. તો આજે તેમણે યશોદા હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. જાણકારી પ્રમાણે, મુલાયમસિંહ યાદવ દ્વારા યૂરિનરી રિટેન્શનની તકલીફ જણાવવામાં આવ્યા બાદ તેમને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે.
મુલાયમસિંહ યાદવ લાંબા સમયથી હાઈસુગર અને કાર્ડિયોની સમસ્યાથી પીડિત છે. તો નવી કેન્દ્ર સરકારની રચના બાદ સંસદીય સત્રના બીજા દિવસે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને તેના પિતા મુલાયમસિંહ યાદવે શપથ લીધા હતા.
ઘણા દિવસોથી અસ્વસ્થ ચાલી રહેલા મુલાયમસિંહ યાદવ શપથ લેવા માટે વેલ સુધી પણ પહોંચી શક્યા નથી અને તેમણે પાછળની બેઠક પરથી ઉભા રહીને શપથ ગ્રહણ કર્યા હતા. મુલાયમસિંહ યાદવે વ્હીલચેર પર બેસીને લોકસભામાં પ્રવેશ કર્યો હતો. જાણકારી પ્રમાણે, અખિલેશ યાદવે પોતાના પિતાને વ્હીલચેરની મદદથી લોકસભા લઈને આવ્યા હતા.
મુલાયમસિંહ યાદવે લોકસભા ચૂંટણીમાં મૈનપુરી લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતી છે. સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમસિંહ યાદવ ગત કેટલાક દિવસોથી અસ્વસ્થ ચાલી રહ્યા છે અને તેમને હાઈપર ગ્લાઈસિમિયા અને હાઈપર ડાયાબિટીઝની સમસ્યા છે. સારવાર માટે લખનૌની રામમનોહર લોહિયા હોસ્પિટલમાં મુલાયમસિંહ યાદવને તાજેતરમાં ભરતી કરાવવામાં આવ્યા હતા.