ભારતમાં મુહર્રમમાં તાજિયાદારીની શરૂઆત તૈમૂર લંગે કરી હતી, જાણો શિયા-સુન્નીમાં શું છે મતભેદ?
- મુહર્રમમાં ઈમામ હુસૈનની શહાદતના ગમમાં મનાવાય છે માતમ
- શિયા પંથી તૈમૂર લંગે ભારતમાં તાજિયાની શરૂઆત કરાવી
- શિયા-સુન્નીમાં તાજિયાદારીને લઈને છે મતભેદ
મુહર્રમ મુસ્લિમોનો કોઈ તહેવાર નથી, પરંતુ માત્ર ઈસ્લામિક હિજરી સનનો પહેલો મહીનો છે. આખી દુનિયાના મુસ્લિમો મુહર્રમની નવમી અને દશમી તારીખે રોજા રાખે છે અને મસ્જિદો-ઘરોમાં ઈબાદત કરે છે. મુહર્રમના મહીનામાં ઈમામ હુસૈનની શહાદતના ગમમાં લોકો માતમ મનાવે છે. જો વાત કરીએ તાજિયાની તો આ પરંપરા ભારતમાંથી જ શરૂ થઈ હતી.
ભારતમાં તાજિયાની શરૂઆત તૈમૂર લંગે કરી હતી. તૈમૂર લંગ તુર્કી આક્રમણખોર હતો અને વિશ્વવિજય કરવું તેનું સપનું હતું. ઈરાન, અફઘાનિસ્તાન, ઈજીપ્ત અને રશિયાના કેટલાક વિસ્તારોને જીતીને તૈમૂર 1398માં ભારત પહોંચ્યો હતો. તેણે દિલ્હીને પોતાનું ઠેકાણું ગણાવ્યું ને અહીં તેણે ખુદને સમ્રાટ જાહેર કર્યો હતો. દિલ્હી અને ભારતમાં આક્રમણમાં તૈમૂર લંગે હજારો ભારતીયોની કત્લેઆમ કરી હતી. તૈમૂર લંગ શિયા સંપ્રદાયમાંથી આવતો હતો.
તૈમૂર લંગે મુહર્રમના મહીનામાં ઈમામ હુસૈનની યાદમાં દરગાહ જેવો એક ઢાંચો બનાવ્યો અને તેને વિવિધ ફૂલોથી સજાવ્યો હતો. તેને જ તાજિયાનું નામ આપવામાં આવ્યું હતું. બાદમાં ખ્વાજા મુઈનુદ્દીન ચિશ્તી જ્યારે ભારત આવ્યા, ત્યારે તેમણે અજમેરમાં એક ઈમામવાડો બનાવ્યો અને તેમા તાજિયા રાખવાની એક જગ્યા પણ બનાવી હતી. તૈમૂર લંગના સમયમાં ભારતમાં દિલ્હીથી શરૂ કરીને બાદમાં આજે પાકિસ્તાન અને બાંગ્લાદેશ તરીકે ઓળખાતા દેશોના વિસ્તારોમાં રહેતા શિયા મુસ્લિમોમાં પણ તાજિયા બનાવવાની શરૂઆત થઈ હતી. મુહર્રમનો ચાંદ નીકળવાની પહેલી તારીખથી તાજિયા રાખવાનો સિલસિલો શરૂ થાય છે, જેને 10 મુહર્રમે દફ્ન કરવામાં આવે છે.
તાજિયાદારીને લઈને શિયા અને સુન્ની સંપ્રદાયમાં મતભેદ છે. સુન્ની સમુદાયમાં તાજિયાદારીનો નિષેધ ગણાવવામાં આવ્યો છે. સુન્ની લોકો તાજિયાદારીને ઈસ્લામનો હિસ્સો માનતા નથી. જો કે દેશના ઘણાં રાજ્યોમાં સુન્ની સમુદાયનો એક મોટો વર્ગ તાજિયાદારી કરે છે. તેની સાથે જ આ લોકો ઈમામ હુસૈનના ગમમાં શરબત વહેંચે છે, ભોજન ખવડાવે છે અને લોકોને મદદ કરવાનું જાયજ માને છે. સુન્ની સમુદાય પ્રમાણે, ઈસ્લામમાં માત્ર મુહર્રમની 9મી અને 10મી તારીખે રોજા રાખવાનો હુક્મ છે. પરંતુ તેનો સંબંધ હઝરત ઈમામ હુસૈનની શહાદત સાથે નથી. જો કે શિયા મુસ્લિમો માટે તાજિયાદારી એક ધાર્મિક પરંપરા છે અને હઝરત ઈમામ હુસૈનની કરબલા ખાતેની શહાદતનો ગમ મનાવવાનો અવસર પણ છે.